Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

અમદાવાદમાં વ્યાજખોરોની દાદાગીરી મજુર કરનાર યુવકનું બાઇક જપ્ત કર્યુ

અંતે થાકી હારીને યુવકે વિડીયો બનાવી આત્મહત્યા કરી લીધી

અમદાવાદ : શહેરમાં ફરી એક વખત વ્યાજખોરોનો ત્રાસ જોવા મળ્યો છે. દેવું ભરપાઇ નહી થઇ શકવાનાં કારણે એક વ્યાજખોરે બાઇક પડાવીને ધમકીઓ આપતા યુવાને આત્મહત્યા કરી લીધી છે. જો કે આત્મહત્યા કરતા પહેલા તેણે વીડિયો બનાવ્યો હતો. જેમાં તમામ બાબતે ખુલાસો કર્યો હતો. જેથી પોલીસે ગુનો દાખલ કરીને તપાસ આદરી છે. વ્યાજખોરો સામે અનેક વખત પોલીસે લાલ આંખ કરી હોવા છતા પણ વ્યાજખોરો બેખોફ છે.

વ્યાજખોરોનું ઉંચુ વ્યાજ અને પઠાણી ઉઘરાણીથી કંટાળીને અનેક લોકો આત્મહત્યા કરી ચુક્યાં છે. શહેરના ખોખરા વિસ્તારમાં છુટક મજુરી કરતા એક યુવાને માત્ર બે લાખ રૂપિયાનું દેવું થઇ જતા આત્મહત્યા કરી છે. જો કે આત્મહત્યા કરતા પહેલા તેણે બે વીડિયો બનાવ્યા હતા. જેમાં તેણે પોતાની સમગ્ર આપવીતી જણાવી હતી. વીડિયોમાં મૃતકે કોને કેટલા રૂપિયા ચુકવવાનાં બાકી છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.

ટાંક રિશી નામના વ્યક્તિને રૂપિયા 54 હજાર ચુકવવાનાં હોવાનું પણ જણાવ્યું હતું. જેના બદલામાં તેને મૃતકનું બાઇખ પણ મળી આવ્યું છે. રિશી અને તેની બહેને માર પણ માર્યો હોવાનું ફરિયાદીને જાણવા મળ્યું છે. છેલ્લા આઠેક મહિનાથી તે બેકાર હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો પોલીસે પૂનમ રબારી, પ્રજય દવે, રિશી ટાંક, ચિરાગ પંડ્યા અને ટીની ટાંક વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ આદરી છે.

(12:40 pm IST)