Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

વખાણ કરવાવાળા તો અનેક મળશે પણ જીવનમાં પ્રેમથી ધમકાવે એવો એક મિત્ર તો હોવો જ જોઇએ

મિત્રથી થયેલી ભુલને ભુલી જવી અને ક્યારેય એટલું બધુ ન રીસાવું કે મિત્ર મનાવી ન શકે

વિરમગામ : જીવનમાં આપણને અનેક મિત્રો મળતા હોય છે અને અનેક લોકો સાથે આપણા વિચારો મળતા હોય છે. ઘણી વખત મિત્ર સાથે પણ વૈચારીક મત ભેદો થતા હોય છે પરંતુ મતભેદથી મિત્રતામાં ક્યારેય મનભેદ ન થવો જોઇએ. જીવનમાં વખાણ કરવાવાળા તો અનેક મિત્રો મળશે. આપણી સારી કે ખરાબ કોઇ પણ બાબતની તેઓ દ્વારા ભુલ શોધવાને બદલે માત્રને માત્ર વખાણ, ખુસામત કરવામાં આવે છે. જે લાંબાગાળે ફાયદો કરવાને બદલે નુકશાનકારક વધુ સાબીત થઇ શકે છે. મિત્રથી કોઇ ભુલ થાયો તો ભુલને ભુલી જવી જોઇએ નહિ કે મિત્રતાને. મિત્રથી રીસાવાનો હક ચેક્કસ હોય છે પરંતુ ક્યાંરેય એટલુ બધુ ન રીસાવું  જોઇએ કે મિત્રના અનેક પ્રયત્નો થતાં પણ મનાવી ન શકે. મિત્રતામાં ક્યારેય ભારેખમ ન બનવુ જોઇએ અને હંમેશા હળવાફુલ જેવા રહેવુ જોઇએ. જીવનમાં વખાણ કરવાવાળા તો અનેક લોકો મળશે પરંતુ પ્રેમથી ધરમકાવે, સાચુ સમજાવે તેવો ઓછામાં ઓછો એક મિત્રતો હોવો જ જોઇએ. મિત્ર વચ્ચેનો સબંધ હંમેશા લાગણી અને પ્રેમનો વિશેષ હોય છે. મિત્રની શક્તિ અને મજબુરીઓ પણ આપણે સમજવી જોઇએ. ઘણી વખત એવુ પણ બને કે મિત્રથી કોઇ મોટી ભુલ થઇ જાય. ઘણી વખત મિત્ર સામે નથી આવી શકતો કે કાંઇ કહી પણ નથી શકતો. આવા સમયે આપણને રીસાવાનો ચોક્કસ હક છે પરંતુ પછી માની પણ જવુ પડે. મિત્ર ભલેને હંમેશા તમને હ્રદયમાં રાખે પણ ભુલના કારણે તમારી નજર સમક્ષ નથી આવી શકતો. આવા સમયે મિત્રતાનો પહેલો દિવસ યાદ કરી લેવા જોઇએ કે અજાણ્યા હોવા છતાં પણ આપણે કેવી રીતે એકમેકના મિત્ર બની ગયેલા. મિત્ર જ્યારે કોઇ પણ બાબતમાં મીઠો ઠપકો આપે કે ધમકાવે ત્યારે ગમતું જ હોય છે. બધા મિત્રોને ધમકાવવાનો હક નથી હોતો. વખાણ કરવાવાળા તો અનેક મળી જાય પણ ધમકાવવાવાળા એક મિત્રની તો જીવનમાં જરૂર હોય જ છે. મિત્રોને એકબીજાનો અવાજ સાંભળવાની અને સાથે રહેવાની ટેવ પડી જ જાય છે. તું અને હું જ્યારે મિત્ર બન્યા ત્યારથી કેવી મસ્ત મજાની વાતો કરતા, ધીંગામસ્તી કરતા, એકબીજાની હસીમજાક કરતા રહ્યા આવુ પણ ક્યારેક યાદ કરતા રહેવું જોઇએ. સાચા મિત્રનું મન હંમેશા પોતાના કરતા મિત્રને વધુ પ્રેમ કરતું હોય છે. મિત્ર સાથે હોય ત્યારે બારેમાસ વસંત જેવુ લાગતું હોય છે. મિત્રનો ઠપકો શ્લોક જેવો મિઠો લાગવો જોઇએ. ઘણીવખત એવુ પણ બને કે મિત્રની કોઇ મજબુરી હોય અને તે આપણને કાંઇ કહી શકતો ન હોય. આવા સમયે મિત્રની ભુલને માફ કરી દેવી જોઇએ. ભલેને મિત્ર ભુલના કારણે સામે ન આવી શકતો હોય પરંતુ મનથી તો હંમેશા સાથે જ હોય છે. મિત્રને રીસાવોનો પુરેપુરો હક હોય છે પરંતુ મિત્રને છોડવાનો હક ક્યારેય નથી હોતો. નારાજ મિત્ર ભલેને મોં ફેરવી શકશે પરંતુ જો સાચી મિત્રતા હશે તો એ તમને મનમાંથી ક્યારેય નહી કાઢી શકે. મિત્ર આંખો બંધ કરી શકે છે પણ નારાજ હોવા છતાં પણ સપનામાં આવવાનો અબાધીત અધિકારી નથી છીનવી શકતો. ભુલ કરેલ મિત્ર સાચી નિષ્ઠાથી જો મનાવે, મસજાવે તો અન્ય મિત્રએ મોટુ મન રાખીને સમજી જવુ જોઇએ, માની જવુ જોઇે. ભલેને તેણે જાણે અજાણ્યે આપણા હ્રદયને તકલીફ આપી હોય પણ મિત્રને ક્યાંરેય હ્રદયમાંથી ન કાઢવો જોઇએ. મિત્રતામાં તો મન મળી ગયેલા જ હોય છે અને એકબીજાના મનને પણ ફાવી જાય છે હ્રદયના ધબકારાઓ સાથે. ભલે નારાજગીમાં એકબીજાની સામે જોઇ ન શકીએ પણ મિત્રતાને ખોવી પણ ન જોઇએ. આવી સ્થિતીમાં આપણે જ મિત્રને કહી દેવું જોઇએ કે તું ભલેને કિટ્ટા કરે પણ આપણી તો હંમેશા બુચ્ચા જ રહેશે.

  મિત્રતામાં ક્યારેક હસી મજાકમાં પણ કોઇને માઠુ લાગી જતુ હોય છે. આવા સમયે બન્ને મિત્રોએ એકબીજાની સામે આક્ષેપો પ્રતિઆક્ષેપો કરવાના બદલે સમજદારી રાખવાની જરૂર હોય છે. દરેક વ્યક્તિના મન કે વિચારો સરખા ન હોય પરંતુ મિત્રતામાં તો એક મિત્રએ જતુ કરવાની ભાવના રાખવી જોઇએ. ભુલ કરતા મિત્રતા હંમેશા મહત્વની હોય છે. એક ભુલના કારણે મિત્રને ક્યારેય ન છોડવો જાઇએ. એક મિત્ર ભુલ કરે તો બીજો મિત્ર ભલે ને રીસાય પણ થોડા સમયમાં તેને માની જવુ જોઇએ. એમા પણ ખાસ કરીને જીવનમાં પ્રેમથી ઠપકો આપતા કે ધમકાવવાવાળા મિત્રનો તો ક્યારેય સાથ ન છોડવો જોઇએ. માત્ર વખાણ કરવાવાળાના બદલે સાચી શિખામણ આપતા મિત્રને હંમેશા સાચવવો જોઇએ. મિત્રતામાં બહુ માઠું ન લગાડાય પણ રીસાઇને માની જવુ જોઇએ. કેટલાક સંબંધો એવા હોય છે કે ભલેને લોહીનો સંબંધ ન હોય પણ લાગણીથી એવા તો જોડાયેલા હોય છે કે જીવનભર જોડાયેલા રહે છે.

લેખક - નીલકંઠ વાસુકિયા (વિરમગામ)
 ( મો.નંબર-98248 56247)

(11:23 am IST)