Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

પાલનપુરના બાદરગઢ ગામે 15 દિવસ પહેલા દફનાવેલ મહિલાનો મૃતદેહ બહાર કઢાયો

પિયરીયાઓની માંગને લઇ પોલીસ તેમજ મામલતદાર સહિતના અધિકારીઓની હાજરીમાં મહિલાના મૃતદેહને બહાર કાઢી પી.એમ અર્થે મોકલાયો

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં 15 દિવસ અગાઉ દફનાવેલ મહિલાના મૃતદેહનું પીએમ કરાવવાનો મામલો સામે આવ્યો છે. પાલનપુરના બાદરગઢ ગામે 15 દિવસ અગાઉ દફનવિધિ કરાયેલી મૃતક મહિલાના પરિવારજનોને મહિલાના મોત મામલે શંકા જતા પિયરીયાઓની માંગને લઇ પોલીસ વિભાગ તેમજ મામલતદાર સહિતના અધિકારીઓની હાજરીમાં મહિલાના મૃતદેહને બહાર કાઢી પી.એમ અર્થે મોકલાયો છે.

પાલનપુર તાલુકાના બાદરગઢ ગામે ગત 4 જૂને રાત્રે એક 26 વર્ષીય મહિલા મધુબેન ફલજીભાઈ માજીરાણાનું અગમ્ય કારણોસર મોત થયું હતું. અને આ મહિલાનું કુદરતી મોત થયું હોવાનું માની મૃતકની સામાજિક રીતે સ્મશાનમાં દફનવિધિ કરવામાં આવી હતી. જોકે દફનક્રિયાના 15 દિવસ બાદ મૃતક મહિલાના સગા પ્રવિણભાઇ માજીરાણાને મૃતક મધુબેનનું મોત કુદરતી નહી પરંતુ કોઈ અન્ય કારણોસર થયું હોવાની શંકા જતાં તેમણે મૃતકના મોતનું સાચું કારણ જાણવા પીએમની માંગ કરી હતી. અને પરિવારજન દ્વારા કરાયેલી માંગને લઈ મૃતકના મોતનું સાચું કારણ જાણવા આજે પોલીસ વિભાગ તેમજ મામલતદાર તેમજ પી.એમ માટેના તબીબોની ટીમ બાદરગઢ ખાતે આવેલા માજીરાણા સમાજનાં સ્મશાનમાં પહોંચી હતી. અને પોલીસ અધિકારીઓ તેમજ મામલતદારની હાજરીમાં 15 દિવસ અગાઉ દફનાવેલા મહિલાના મૃતદેહને બહાર કઢાયો.

જોકે સ્થાનિક લેવલે પીએમ ન થઈ શકે તેવું લાગતા મહિલાના મૃતદેહને પીએમ અર્થે પાટણની ધારપુર ખાતે ખસેડવામાં આવ્યો હોવાનું અત્યારે તો તંત્ર જણાવી રહ્યું છે.અત્યારે તો મૃતક મહિલાના પિયર પક્ષ દ્વારા મહિલાનું મોત અન્ય કારણોસર થયું હોવાની શંકા વ્યક્ત કરાઇ છે. જોકે મહિલાના પીએમ બાદ જ સાચી હકીકત સામે આવશે કે મહિલાનુ કુદરતી મોત થયું છે કે પછી હત્યા કરાઈ છે.

(12:55 am IST)