Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

અમદાવાદ : સ્કુલવાન અને રિક્ષાચાલકોની હડતાળ પૂર્ણ

આજથી તમામ પ્રક્રિયા રાબેતા મુજબની રહેશે :બાળકો અને વાલીઓને પણ રાહત : હડતાળના કારણે ભારે અંધાધૂંધી ફેલાઈ : વાતચીત બાદ હડતાળ સમેટાઈ

અમદાવાદ, તા. ૨૦  : અમદાવાદ શહેરમાં સ્કુલવાન ચાલકો અને રિક્ષાચાલકોની હડતાળનો આજે અંત આવ્યો હતો.  સ્કુલવાન ચાલકોની હડતાળના લીધે વાલીઓ અને બાળકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હડતાળના લીધે જુદી જુદી સ્કુલો પર ભારે અંધાધૂંધી સર્જાઈ હતી. સવારમાં અને બપોરની પાળીમાં અભ્યાસ કરતા બાળકોને સ્કુલમાં મુકવા માટે વાલીઓને પહોંચવાની ફરજ પડી હતી. નાના બાળકોને સૌથી વધારે મુશ્કેલી નડી હતી. નિકોલમાં સ્કુલવાનમાંથી ત્રણ બાળકો પડી જવાની ઘટના બાદથી ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા જોરદાર કાર્યવાહી સ્કુલવાન ચાલકો અને રિક્ષા ચાલકો સામે હાથ ધરવામાં આવી હતી જેના કારણે નિયમોનો ભંગ કરી રહેલા સ્કુલવાન અને રિક્ષાઓ ડિટેઇન કરવામાં આવી હતી. સાથે સાથે દંડ પણ ફટકારવામાં આવ્યા હતા. સ્કુલવાન ચાલકો અને રિક્ષા ચાલકો સામે તંત્રની ઝુંબેશના પરિણામ સ્વરુપે સ્કુલવાનના ચાલકો હડતાળ ઉપર ઉતરી ગયા હતા. એક દિવસની સત્તાવારરીતે હડતાળ પડી હતી પરંતુ ગુરુવાર ઉપરાંત બુધવારના દિવસે પણ રિક્ષાચાલકો અને સ્કુલવાનના ચાલકો બાળકોને લેવા અને મુકવા માટે પહોંચ્યા ન હતા. આરટીઓ અને પોલીસની કાર્યવાહીના કારણે ખળભળાટ મચી ગયો હતો. સ્કુલવાન અને રિક્ષાઓમાં વધારે પડતા બાળકોને બેસાડવા અને નિયમોને લઇને ભારે બેદરકારી બાદ સમગ્ર મામલો ગરમાઈ ગયો હતો અને છેલ્લા ત્રણ ચાર દિવસથી ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી હતી. ઘણી ગાડીઓ ડિટેઇન કરવામાં આવ્યા બાદ આ ગાડીઓને હજુ પણછોડાવવામાં સફળતા મળી નથી.

(9:47 pm IST)