Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે આસોદર ચોકડીએ વોચ ગોઠવી મોબાઈલની દુકાનમાં ચોરી કરનાર ઉમેટાનાં બે શખ્સોની ધરપકડ કરી

આણંદ: લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આજે આસોદર ચોકડીએ વોચ ગોઠવીને ૧૫ દિવસ પહેલાં આંકલાવની મોબાઈલની દુકાનમાં ચોરી કરનાર ઉમેટાના બે શખ્સોને ઝડપી પાડીને ચોરીમાં ગયેલા ૨૩ મોબાઈલ ફોનો જપ્ત કરીને વધુ તપાસ અર્થે આંકલાવ પોલીસના હવાલે કર્યા હતા. 

પ્રાપ્ત વિગતો અનુસાર એલસીબી પોલીસને હકિકત મળી હતી કે, ઉમેટા ગામે રહેતા બે શખ્સો બાઈક પર આણંદ ખાતે ચોરીના મોબાઈલ ફોન વેચવા માટે જવા નીકળનાર છે. જેના આધારે પોલીસે આસોદર ચોકડી પાસે વોચ ગોઠવી દેતાં એક બાઈક પર બે શખ્સો થેલી લઈને પસાર થતા જ પોલીસે તેમને અટકાવીને તલાશી લેતાં થેલીમાંથી ૬૦૮૦૦ની કિંમતના ૨૩ મોબાઈલ ફોનો મળી આવ્યા હતા. જે બાબતે પુછપરછ કરતાં તેઓ ગલ્લાતલ્લા કરવા લાગ્યા હતા. જેથી નામઠામ પુછતાં તેઓ ઉમેટા ગામે રહેતા વિજયસિંહ ઉર્ફે વાલ રાજેન્દ્રસિંહ મહિડા અને મહેન્દ્રસિંહ ઉર્ફે જયપાલ જનકસિંહ પઢિયાર હોવાનું ખુલવા પામ્યું હતુ. મોબાઈલ ફોનો અંગે કડકાઈથી પુછપરછ કરતાં આજથી ૧૫ દિવસ પહેલાં તેઓએ આંકલાવ ખાતે આવેલી સાંઈ મોબાઈલની દુકાનમાંથી ચોરી કર્યાની કબુલાત કરી હતી જેથી પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ઘરી હતી. 

(5:47 pm IST)