Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

લિંબાયત : પોલીસ બાતમીદાર શખ્સ હત્યાનો વિડિયો વાયરલ

બાતમીદારની સરેઆમ હત્યા છતાં લોકો જોતા રહ્યા : ઘાતકી હત્યાનો વિડિયો સામે આવતાં પોલીસતંત્ર સહિત સ્થાનિકમાં ભારે ચકચાર અને અરેરાટીની લાગણી પ્રસરી

અમદાવાદ,તા. ૧૯  : સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનથી ૩૦૦ મીટરના અંતર મારૂતી સર્કલ પાસે માર્કન્ડેશ્વર મહાદેવ મંદિરથી થોડા અંતરે ગઇકાલે ખુદ પોલીસના જ એક બાતમીદાર યુવકની જાહેરમાં હત્યાના બનાવનો વીડિયો સામે આવતાં ભારે ચકચાર મચી ગઇ છે. ખાસ કરીને પોલીસ તંત્ર અને સ્થાનિકોમાં બાતમીદારની આટલી કરપીણ હત્યાને લઇ ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ છે. સુરતના લિંબાયત વિસ્તારમાં ગઇકાલે બે આરોપીઓએ લાકડાના ફટકાથી જાહેરમાં યુવક પર હુમલો કર્યો હતો. જ્યારે યુવકને લાકડાના ફટાકા મારવામાં આવતા ત્યારે લોકો જોઈ રહ્યા અને કોઈ મદદે પણ ન ગયું હોવાનો એક વીડિયો સામે આવતાં હવે ભારે ખળભળાટ મચી ગયો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો હોઇ પોલીસતંત્રમાં પણ તેના ઘેરા  પ્રત્યાઘાત પડયા છે તો બીજીબાજુ, હવે પોલીસના બાતમીદારોની સુરક્ષાને લઇ સવાલો ઉઠી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મરનાર ઘણી વખત પોલીસને બાતમી આપતો હતો. જો પોલીસના બાતમીદારની જ આવી ક્રુર હત્યા કરવામાં આવે તો સામાન્ય લોકોની સુરક્ષાનું શું ? શું સુરતમાં પોલીસનો ડર જ રહ્યો નથી? જેવા અનેક સવાલો સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યા હતા. સુરતના લિંબાયતમાં મકરૂનગર આવાસમાં રહેતો ઇમરાનશા ઉર્ફ ઇમરાન ગોલ્ડન રઝાકશા(ઉ.વ.૨૭ વર્ષ) ઘણી વખત પોલીસને બાતમી આપતો હતો. ગઇકાલે સાંજે તે મારૂતીનગર સર્કલ પાસે આવેલ માર્કન્ડેશ્વર મંદિર પાસેથી પસાર થતો હતો ત્યારે રીઢા આરોપીઓ બાબુ બચકુંડા અને વિનોદ મોરેએ લાકડાના ફટકાથી ઇમરાનના માથામાં આડેધડ ફટકા મારવાનું શરૂ કર્યું હતું અને તેની જાહેરમાં સરેઆમ કરપીણ હત્યા કરી ભાગી ગયા હતા. ઇમરાન સ્થળ પર જ ઢળી પડ્યો હતો. પોલીસે મોડી રાત્રે બાબુ બચકુંડા અને વિનોદ મોરે વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને તેમની શોધખોળ શરૂ કરી છે અને હત્યા પાછળના કારણને જાણવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(8:43 am IST)