Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

વિંઝોલ પાસે ગંભીર અકસ્માત સર્જાયો : પિતા, બે પુત્રોના મોત

પુર ઝડપે આવી રહેલી ટ્રકે પરિવારને પીંખ્યો : રોપડાબ્રિજની પાસે ટ્રકચાલકે બેદરકારીપૂર્વક ટ્રક હંકારી બાઇક પર જઇ રહેલા પિતા-પુત્રોને ઉડાવ્યા : ઉંડી તપાસ

અમદાવાદ,તા. ૧૯  : અમદાવાદ શહેરના વિઝોલ સર્કલ નજીક માંતેલા સાંઢની જેમ આવેલા ટ્રકચાલક દ્વારા પોતાની ટ્રક ગફલતભરી રીતે હંકારી બાઈક પર જઇ રહેલા પિતા-પુત્રોને ઉડાવતાં ગંભીર અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક પર સવાર પિતા-પુત્રોના ટ્રક નીચે કચડાઇ જવાથી અને ગંભીર ઇજાઓ થવાથી ઘટનાસ્થળે જ મોત નીપજયા હતા. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. તો, અકસ્માતને લઇ લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા અને ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. જો કે, પિતા અને બંને નાના પુત્રોના મોતને લઇ લોકોમાં ભારે અરેરાટની લાગણી ફેલાઇ ગઈ હતી. બનાવ બાદ ફરાર થઇ ગયેલા ટ્રક ડ્રાઇવરને જે ડિવિઝન ટ્રાફિક પોલીસે કમોડ સર્કલ પાસેથી ઝડપી લીધો હતો અને જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના વટવા વિસ્તારમાં રહેતા એક પિતા તેમના બે પુત્રોને લઈ પલ્સર બાઇક પર  ખરીદી કરવા નીકળ્યા હતા. ખરીદી કર્યા બાદ સાંજના સમયે પરત ફરતા હતા ત્યારે વિઝોલ સર્કલથી આગળ રોપડા બ્રિજ પાસે પાછળથી પૂરપાટ ઝડપે આવેલા ટ્રકચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી હતી, જેથી બાઈક પર સવાર પિતા અને ૧૨ વર્ષ તેમજ ૮ વર્ષના પુત્રો જમીન પર પટકાયા હતા. આ ગંભીર અને ગમખ્વાર અકસ્માતમાં ટ્રક નીચે કચડાઇ જવાથી તેમ જ ગંભીર ઇજાઓ થવાના કારણે પિતા અને તેમના બંને પુત્રોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયા હતા. જેને પગલે ઘટનાસ્થળે ઉમટી પડેલા લોકોમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. જો કે, ઘટના બાદ ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો. જે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પી.આઈ એ.બી.નાગોરીએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં પિતા-પુત્રના મોત થયા છે. પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવતા પીસીઆર વાને ટ્રકનંબરના આધારે તેનો પીછો કરી કમોડ સર્કલ પાસેથી ટ્રકચાલકને ઝડપી લીધો હતો. મૃતક વટવામાં રહેતા હોવાની વાત સામે આવી રહી છે, તેથી પોલીસે તે દિશામાં પણ જરૂરી તપાસ કરી છે.

(9:16 pm IST)