Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

મુખ્યમંત્રી રૂપાણીના નેતૃત્વમાં વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન ગુજરાતનાં અર્થતંત્રમાં ૧૧.૨ ટકાનો હાઈ ગ્રોથ રેટ હાંસલ

છેલ્લાં પાંચ વર્ષમાં અર્થતંત્રમાં ઊંચી વૃદ્ધિના પ્રવાહ અને ૯.૯ ટકાની સરેરાશ વાર્ષિક વૃદ્ધિ સાથે છેલ્લા વીસ વર્ષનો રેકોર્ડ જાળવી રાખ્યો:નેશનલ ઈન્ડસ્ટ્રીઅલ આઉટપુટમાં ૧૬.૮ ટકા યોગદાન સાથે દેશભરમાં ગુજરાત ટોચનાં સ્થાને

ગાંધીનગર :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલ, પારદર્શક, નિર્ણાયક અને પ્રગતિશીલ સરકારનાં નેતૃત્વમાં ગુજરાતની અર્થવ્યવસ્થામાં ઊંચી વૃદ્ધિ જોવા મળી છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતે અર્થતંત્રમાં ૯.૯%ની સરેરાશ વાર્ષિક વૃદ્ધિ હાંસલ કરીને છેલ્લા વીસ વર્ષનો રેકોર્ડ જાળવી રાખ્યો છે. ગુજરાતે વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન ગુજરાતનાં અર્થતંત્રમાં ૧૧.૨%નો હાઈ ગ્રોથ રેટ હાંસલ કર્યો છે.

  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સફળ આર્થિક અને વ્યાપારી નીતિઓનાં પરિણામસ્વરૂપે ક્રિસિલના તાજેતરના ગ્રોથ ૨.૦ રિપોર્ટમાં પણ ગુજરાત જીએસડીપી વૃદ્ધિ દર, નાણાકીય વ્યવસ્થાપન, રોજગાર નિર્માણ, ભાવ અંકુશ અને અન્ય મહત્વના પરિમાણોમાં અગ્રણી રાજ્ય તરીકેનું સ્થાન પ્રસ્થાપિત થયું છે. આજે જ્યારે સમગ્ર વિશ્વનું અર્થકરણ મંદીના કપરા સમયમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે ગુજરાતની વિકાસ કુચને વધુ વેગવંતી બનાવવા માટે રૂપાણી સરકારે દરેક લોકો અને ક્ષેત્રનો ઝડપી વિકાસ કરવાનો પ્રયત્ન કર્યો છે.

 

દિન દુગના રાત ચૌગના વિકાસ પામી રહેલા ગુજરાતે નીતિ આયોગના એસડીજી ઈન્ડેક્ષ ઈન્ડિયા રિપોર્ટ ૨૦૧૮ મુજબ સામાજિક-આર્થિક સૂચકાંકોમાં ભારતના ટોપ થ્રી બેસ્ટ પર્ફોર્મિંગ સ્ટેટ્સમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. આટલું જ નહીં ઔદ્યોગિક રાજ્ય તરીકે ગુજરાતે ઔદ્યોગિક ઉત્પાદનમાં પોતાના ટોચના ક્રમને નેશનલ ઈન્ડસ્ટ્રીયલ આઉટપૂટમાં ૧૬.૮% હિસ્સા સાથે જાળવી રાખ્યો છે. નિતિ આયોગ દ્વારા પ્રકાશિત થયેલા "કંપોઝીટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્ષ ૨૦૧૮"ના અહેવાલ અનુસાર ગુજરાત અવ્વલ સ્થાન પર છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં જ પ્રયત્નોનું પરિણામ છે કે આજે ગુજરાતમાં ૨૬૦૦ કિ.મી.થી વધુની રાજ્યવ્યાપી નેચરલ ગેસ ગ્રીડ ધરાવનારૂં દેશનું સૌપ્રથમ અને એકમાત્ર રાજ્ય છે. આમ અનેક પ્રકારે ગુજરાત આજે પ્રગતિની અનેકવિધ પહેલ કરી રહ્યુ છે અને સફળતાના સોપાનો સર કરી રહ્યુ છે.

 

ગુજરાતમાં અનેક વહીવટી પ્રક્રિયામાં સરળીકરણ અને ઑનલાઇન મોડમાં સેવાઓ પૂરી પાડવાની સફળતા રૂપાણી સરકારે મેળવી રાજ્યનાં અર્થતંત્રને ઝડપી-વિકસિત બનાવ્યું છે. ગૂડ ગવર્નન્સ રૂપાણી સરકારની પ્રાથમિકતા રહી છે અને નાગરિકોને ઓનલાઇન સુવિધાઓ પૂરી પાડવા ઘણી બધી પ્રક્રિયાઓનું સરળીકરણ કરવામાં આવ્યું છે જેનો એક લાભ રાજ્યનાં અર્થતંત્રને મળ્યો છે અને ગુજરાતની અર્થવ્યવસ્થામાં ઉંચી વૃદ્ધિ જોવા મળી છે.

  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં ગુજરાત રાષ્ટ્રીય વિકાસ એજન્ડા હેઠળ યુએન ગ્લોબલ 2030 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલના એજન્ડાને સાકાર કરવા પ્રતિબદ્ધ છે. આ પ્રતિબદ્ધતા રૂપે ગુજરાતે સસ્ટેનેબલ વિઝન 2030 એજન્ડા તૈયાર કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં નયા ભારતના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત કોઈ કચાશ રાખશે નહીં એવો વિશ્વાસ વિજયભાઈ રૂપાણીની કામગીરીમાં દેખાઈ રહ્યો છે.

(8:26 pm IST)