Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

અમદાવાદમાં પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખોલીઃ અનેક જગ્યાએ ગાબડા

અમદાવાદ :અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં વરસાદ થતાની સાથે જ તંત્રની પોલ ખુલી છે. અનેક જગ્યાએ રોડ બેસી ગયાના બનાવો બન્યા છે, તો કેટલીક જગ્યાએ પ્રિ-મોનસૂન કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી અને રસ્તા પર ખોદકામ કરી અધૂરા મૂકવામાં આવ્યા છે. તો પ્રથમ વરસાદથી જ અનેક રસ્તાઓ જાણે પાણીમાં ગરકાવ થઈ ગયા. ગઈકાલે મોડી સાંજે વરસી પડેલા ધોધમાર વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો સાથે જ રસ્તા અને સોસાયટીઓના રહીશો પરેશાન થયા હતા. સંખ્યાબંધ વાહનો પાણીમાં બંધ પડી જતાં અધવચ્ચે લોકો અટવાયા હતા, જેને કારણે ઠેરઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

અમદાવાદ બન્યું ગાબડાબાદ

વરસાદી માહોલ વચ્ચે ગઈકાલે અમદાવાદ ગાબડાબાદ બની ગયું છે. શહેરમાં 4 સ્થળે રોડ બેસી ગયા છે. તો 40થી વધુ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સરેરાશ 1 ઈંચ વરસાદે જ AMC તંત્રની પોલ ખોલી નાંખી છે.

ક્યાં ક્યાં પાણી ભરાયા હતા

- અમદાવાદ પૂર્વના અનેક નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા

- 132 ફૂટ રિંગ રોડ પર પણ ભરાયા પાણી

- હાટકેશ્વર સર્કલમા પાણી ભરાયા

- ખોખરા ગુજરાત હાઉસીગ બોર્ડમા પાણી ભરાયા

- સીટીએમ ચાર રસ્તા નજીક પાણી ભરાયા

- ગોરના કુવા પાસે પાણી ભરાયા

- જામફળવાડી કેનાલ પાસે પાણી ભરાયા

- રામોલ જતા માર્ગ પર કુશાભાઉ ઠાકરે હોલ સામે પાણી ભરાયા

- પુનિત નગર ક્રોસિંગ પાસે પાણી ભરાયા

- શાસ્ત્રીનગર ચાર રસ્તા પાસે ભરાયા પાણી.

ટ્રાફિક જામ, વાહનો ફસાયાના દ્રશ્યો

અમદાવાદમાં વરસાદના કારણે અનેક સ્થળે વાહનો ફસાયાં હતા. ગાડી હોય કે રિક્ષા, બાઈક હોય કે સ્કૂટર, અનેક વાહનો પાણીમાં ફસાયા હતા. તો બીજી તરફ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ વધુ વિકટ બની હતી. આમ, શહેરમાં સામાન્ય એવા પહેલા જ વરસાદમાં પાણી ભરાતા લોકોમાં ભારોભાર નારાજગી જોવા મળી છે. અનેક લોકો ઓફિસથી ઘરે જતા સમયે પરેશાન થયા હતા. તો સામે પોલીસકર્મીઓ પણ ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રાખવામાં અસફળ રહ્યા હતા.

(5:07 pm IST)