Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

મોહિત ગૌરનું વહીન્ આલ્બમ અમદાવાદ ખાતે લોન્ચ કરાયું

ઉભરતા ગાયક મોહિત ગૌર અમદાવાદની મુલાકાતે : મોહિત પોતે જ ગીતો બનાવે છે, કમ્પોઝ કરે છે, જાતે કંઠ આપે છે :આગામી વર્ષોમાં ૭૦૦ ગીતો લોંચ કરવા ઇચ્છા

અમદાવાદ,તા.૧૬ : રિયાલિટી શો ઈન્ડિયાઝ રોકસ્ટારથી પ્રખ્યાત થયેલા અને તું મેરા કપ કેક હૈ થી લોકોમાં અદ્ભુત લોકચાહના મેળવનાર ઉભરતા ગાયક મોહિત ગૌર  આજે અમદાવાદની વિશેષ મુલાકાતે આવ્યા હતા. જયપુર બાદ અમદાવાદમાં આજે મોહિત ગૌરે પોતાનું નવુ અને લોકપ્રિય આલ્બમ વહીન્ લોન્ચ કર્યું હતું. બીજા ગાયકો કરતાં મોહિત ગૌર કંઇક અલગ એ પ્રકારે પડે છે કે, તે પોતે જ ગીત બનાવે છે, કમ્પોઝ કરે છે અને જાતે પોતાનો કંઠ પણ આપે છે. તેના ગીતોની બીજી એક વિશેષતા એ છે કે, તેના દરેક ગીત પાછળ એક સ્ટોરી એટલે કે, કથા-વાર્તા હોય છે.પોતાના નવા આલ્બમ વહીન્ના લોન્ચીંગ પ્રસંગે મોહિત ગૌરે જણાવ્યું હતું કે, તે છેલ્લા દસ વર્ષથી જ કંઇક અલગ વિષય વસ્તુ અને કથા-વાર્તા સાથે ગીતો બનાવતા આવ્યા છે અને તેને કમ્પોઝ પણ જાતે જ કરે છે. પરંતુ પોતાના ગીતોને જ જાતે ગાવાનું તેમણે પાંચેક વર્ષ પહેલાં કર્યું હતું. તે લોકોના દિલને સ્પર્શે તેવી રચનાઓ લોકો સુધી પહોંચાડવા માંગે છે કે જેમાં કોઇ વાત અને હાર્દ સમાયેલું હોય. મોહિતે વધુમાં જણાવ્યું કે, તેમણે યુટ્યુબ પર પોતાની એક સ્ટોરી સીરીઝની શરૂઆત કરી છે જેને તેમના જીવનના જુદા જુદા કિસ્સાઓ દ્વારા રજુ કરવામાં આવશેે. મારા ૮૦ ટકા થી વધુ ગીતો મારી પર્સનલ લાઈફથી કનેક્ટેડ હોય છે અને મેં અત્યાર સુધી સૂફી, રોક,ગઝલ,પ્રાર્થના જેવા અનેક ગીતો ગાયા છે અને હું ઈચ્છું છું કે હું વધુ ને વધુ ગીતો ગાઉ અને લોકો ને સંભળાવું. યુટ્યુબ પર અત્યાર સુધી આ ગીતને ૪ લાખ થી પણ વધારે વ્યુઝ મળી ચુક્યા છે.  આવનારા દિવસોમાં તેઓ દેશના અન્ય શહેરોમાં પણ આ આલ્બમ રિલીઝ કરવા જઇ રહ્યા છે. અત્યારસુધીમાં તેમના ચારથી પાંચ આલ્બમ રિલીઝ થયા છે અને આવનારા વર્ષોમાં તેઓ ૭૦૦ જેટલા બીજા ગીતો લોન્ચ કરવાની ખેવના ધરાવે છે. ઉલ્લેખનીય છે કે, મોહિતે તેની સફળતા બાદ ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં પણ પ્લેબેક સીંગર તરીકે શરૂઆત કરી દીધી છે. આવનારા દિવસોમાં હિન્દી ફિલ્મોના જાણીતા અને લોકપ્રિય પ્લેબેક સીંગરોની યાદીમાં તેનું પણ નામ હશે.

(8:36 pm IST)