Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી

કોંગ્રેસના છ સભ્યોએ પાટલી બદલતાં અસર પડી : જિલ્લા પંચાયત નવા પ્રમુખ તરીકે જિતેન્દ્રસિંહ ચૌહાણ, ઉપપ્રમુખ ભાવિબહેન પટેલ : ભાજપની છાવણી ગેલમાં

અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી

અમદાવાદ,તા.૨૦ : કોંગ્રેસ શાસિત અમદાવાદ જિલ્લા પંચાયતમાં અઢી વર્ષ બાદ સત્તા પરિવર્તન થઇને ભાજપનું કમળ ખીલ્યું હતું. જોકે અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખપદની આજની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા હોર્સ ટ્રેડિંગનો આક્ષેપ મુકાતાં એક તબક્કે રાજકીય વાતાવરણ ગરમાયું હતું. અમદાવાદ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે જિતેન્દ્રસિંહ ચૌહાણ અને ઉપપ્રમુખ તરીકે ભાવિબહેન પટેલની વરણી કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લા પંચાયતની ચૂંટણી દરમ્યાન કોંગ્રેસના છ સભ્યોએ પાટલી બદલતાં પરિણામો પર તેની અસર પડી હતી. અમદાવાદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના ૧૮ સભ્ય અને ભાજપના ૧૩ સભ્ય હોઇ કોંગ્રેસ પાસે બહુમતી હતી. આજે જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે સામાન્ય સભાનું આયોજન કરાયું હતું. કોંગ્રેસ તરફથી અમરસિંહ ઠાકોર અને ભાજપ તરફથી જિતેન્દ્રસિંહ ચૌહાણે પ્રમુખપદ માટે ઝંપલાવ્યું હતું. જ્યારે ઉપપ્રમુખપદ માટે કોંગ્રેસના અમરસિંહ સોલંકી અને ભાજપ તરફથી ભાવિબહેન પટેલ સ્પર્ધામાં હતા. આજની સામાન્ય સભામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સત્તા મેળવવા રાજકીય દાવપેચ ખેલાય તેવી ભારોભાર શકયતાને કારણે કોંગ્રેસના તમામ સભ્યોને રાજ્ય બહાર મોકલી દેવાયા હતા. છેલ્લા દસ દિવસથી આ સભ્યો અજ્ઞાતવાસમાં હતા. ગઇકાલે રાત્રે તેઓ અમદાવાદ પરત ફરતાં કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા શહેરની એક હોટલમાં રખાયા હતા. દરમિયાન કોંગ્રેસ જિલ્લા પંચાયતમાં સત્તા જાળવી રાખે તેવી શકયતાની વચ્ચે કોંગ્રેસના અમરસિંહ ઠાકોર અને અમરસિંહ સોલંકી પ્રમુખ અને ઉપપપ્રમુખ તરીકે ચૂંટાઇ આવશે તેમ રાજકીય વર્તુળોમાં ચર્ચાતું હતું, પરંતુ આજે સવારે અચાનક જ રાજકીય સમીકરણ પલટાયાં હતા. અમદાવાદ જિલ્લા પંચાયતના કોંગ્રેસના છ સભ્યોએ બળવો કરતાં અમદાવાદ જિલ્લાના સ્થાનિક રાજકારણમાં ચકચાર મચી ગઇ હતી. કોંગ્રેસના મનુજી ઠાકોર, જગદીશ મેણિયા, દેવકુંવરબા દાઇમા, ઇચ્છાબહેન પટેલ, ઠાકરશી રાઠોડ અને કાળુજી ઠાકોરે ભાજપ તરફી મતદાન કરતાં કોંગ્રેસને સત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો.

બીજીબાજુ, અમદાવાદ જિલ્લા પંચાયતનાં કોંગ્રેસનાં સૂત્રોએ ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યો હતો કે, એક એક સભ્યને પક્ષમાંથી તોડવા માટે ભાજપે કરોડો રૂપિયાની રકમ ચૂકવી છે. પૈસાના જોરે ભાજપે અમદાવાદ જિલ્લા પંચાયતમાં સત્તા મેળવી છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા તત્વો સામે પણ પક્ષના સ્થાનિક આગેવાન નેતાઓનું ધ્યાન દોરી શિક્ષાત્મક કાર્યવાહી કરવા મામલે ફરિયાદ કરાશે.

(7:36 pm IST)
  • ૨૯મીની આસપાસ વાવણી લાયક સારો વરસાદનો રાઉન્ડ આવે તેવી શકયતા : ૨૨ થી ૨૫ જૂન દરમિયાન ચોમાસુ ફરી સક્રિય બને તેવા પરિબળો મજબૂત બન્યા છે. ૨૪મીથી કોઈ કોઈ જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડશે. જયારે ૨૯મીની આસપાસ સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં વાવણીલાયક અને વરસાદનો સારો રાઉન્ડ આવે તેવી સંભાવના છે. access_time 12:32 pm IST

  • બોલ ટેમ્પરિંગના વિવાદના કારણે ત્રીજા દિવસે શ્રીલંકાની ટિમ બે કલાક મોડી મેદાન પર ઉતરી: એક સમયે મેચ પર જ સંકંટના વાદળો ઘેરાયા હતા. ત્યાર બાદ શ્રીલંકાઈ ખેલાડી મેદાન પર ઉતરવા માટે તૈયાર થયા હતા access_time 1:14 am IST

  • શુજાત બુખારીની હત્યાના વિરોધમાં કાશ્મીરના અખબારોએ તંત્રીલેખની જગ્યા ખાલી રાખી : કાશ્મીરના તમામ સ્થાનિક અખબારોએ શુજાત બુખારી પ્રત્યે પોતાની સંવેદનાઓ વ્યકત કરી, રાઈઝિંગ કાશ્મીરે બુખારીને શ્રદ્ધાંજલિ આપતા અનેક લેખ પ્રકાશિત કર્યા : શુજાત બુખારીની હત્યાના વિરોધમાં કાલે કાશ્મીર ખીણમાં અલગતાવાદીઓ દ્વારા હડતાળનું એલાન access_time 12:29 pm IST