Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

છારા ગેંગ સહિતના ગુન્હેગારોને પકડવા રથયાત્રા પહેલા જ ઓપરેશન પાર્ટ-૨: અશોક યાદવ

તમારા ગુન્હેગારોને પકડવા ચુનંદી ટીમો મોકલી ફકત ઓળખી બતાવો, બાકીનું કામ અમે પુરૂ કરી લેશું: ગુજરાતભરના ઉચ્ચ અધિકારીઓને ફરીથી અમદાવાદના એડીશ્નલ પોલીસ કમિશ્નરનું નિમંત્રણ : લંડનથી પરત ફરતા જ મહિલા બુટલેગરોની ચેલેન્જ સ્વીકારનાર અશોકકુમાર યાદવ ૨૦ - ૨૦ ટીમો સાથે અમદાવાદના કુખ્યાત છારાનગર અને સરદારનગરના દારૂના ગૃહ ઉદ્યોગ જેવા અડ્ડાઓ ઉપર તૂટી પડયાઃ બુલડોઝરો સાથે દારૂના અડ્ડાઓનો ઓપરેશન પાર્ટ-૧ માં ભુક્કો બોલાવનાર આ અધિકારી અકિલા સાથેની વાતચીતમાં કહે છે કે, દારૂના અડ્ડા બંધ થયા બાદ નવરા પડેલાઓ લુખ્ખાગીરી ન કરે તે માટે ખાસ ટીમોની પણ રચના કરીશું

રાજકોટ, તા. ૨૦ :. હાલમાં જ્યારે વડાપ્રધાનથી લઈ મુખ્યમંત્રી સુધી એક નવો ટ્રેન્ડ આવ્યો છે અને તે ટ્રેન્ડ છે 'ફીટનેસ ચેલેન્જ' કરવાનો. આવા ટ્રેન્ડ વચ્ચે અમદાવાદના કુવિખ્યાત વિસ્તારો છારાનગર અને સરદારનગર વિસ્તાર કે જ્યાં વર્ષોથી દારૂનો ધંધો ગૃહ ઉદ્યોગની જેમ ધમધમે છે તેવા આ વિસ્તારમાંથી રાજ્ય સરકારની દારૂબંધીની કડક નીતિનો અમલ કરાવવા માટે જેમની અમદાવાદના સેકટર-૨ના એડીશ્નલ પોલીસ કમિશ્નર તરીકે નિમણૂક થઈ છે તેવા અશોકકુમાર યાદવ મહિલાઓ વિગેરે દ્વારા ચાલતા દારૂના અડ્ડાઓ બંધ થાય અને આ અડ્ડા બંધ થયા બાદ તેમને પુરતી રોજગારી મળે તેવા ખરા અર્થના ગૃહ ઉદ્યોગ માટે જાતે વિવિધ મહિલા સંગઠનો સાથે પહોંચ્યા તે સમયે કેટલીક મહિલા બુટલેગરોએ તેમની સાચી અને સારી વાત સ્વીકારવાનો ઈન્કાર કરી દારૂના ધંધા બંધ નહી થાય તેવી ચેલેન્જ આપી હતી.

યુવા આઈપીએસ અધિકારી અશોકકુમાર યાદવ ચેલેન્જ આપનાર મહિલાઓ હોવાથી તેમની સામે સ્વભાવિકપણે બળપ્રયોગ ન કરી તેમને કોઈ જવાબ આપ્યા વગર મનોમન ચેલેન્જ સ્વીકારી ચાલી નિકળ્યા હતા. જો કે ત્યાં હાજર કેટલાક પોલીસ સ્ટાફે તથા અન્ય બુટલેગરોએ કહ્યુ કે 'આવી ચેલેન્જ કોઈ જેન્ટસ બુટલેગરોએ કરી હોત તો અશોકકુમાર યાદવ સ્થળ પર જ તેને બીજી વખત ન બોલી શકે તેવો પદાર્થ પાઠ ભણાવત.' આગળ વધતા એ અનુભવી માણસોએ કહ્યુ કે જો તેઓ વધારે આકરા મુડમાં હોત તો આવુ બોલનાર સીધો ઓર્થોપેડીક હોસ્પીટલમાં જ હોય. આ તો મહિલાઓ હતી એટલે ચાલી નિકળ્યા હતા.

આટલી પૂર્વ ભૂમિકા બાદ એ જણાવવુ જરૂરી છે કે, અશોકકુમાર યાદવે વળતા દિવસે જ કોર્પોરેશનના પૂર્વ વિભાગના ડે. મ્યુનિસિપલ કમિશ્નર કેતનભાઈ ઠક્કરની મદદથી બુલડોઝર મેળવી એસઆરપી ટુકડીઓ સાથે ત્રાટકી અને દારૂના ગેરકાયદે અડ્ડા જેવા મકાનોના કચ્ચરઘાણ વાળી નાખ્યો હતો. ત્યાર બાદ તો રોજેરોજ ચેકીંગ શરૂ થયેલ.

દરમિયાન અશોકકુમાર યાદવ લંડન જતા આ ઝુંબેશ મંદ પડી હતી. તેઓએ આવતાવેંત તાબાના ડીસીપીઓ, એસપીઓ અને પીઆઈને બોલાવી અત્યાર સુધી શું - શું કાર્યવાહી કરી ? તેવો સવાલ પૂછતા જ બધાના મોઢા બંધ થઈ ગયા હતા. તેઓ તૂર્ત પરિસ્થિતિ પારખી ફરીથી ૨૦ ટીમો દ્વારા છારાનગર અને સરદારનગરમા ત્રાટકી દારૂનો મોટો જથ્થો કબ્જે કર્યો હતો.

અત્રે યાદ રહે કે અશોકકુમાર યાદવે આ અગાઉ રાજ્યભરના પોલીસ અધિકારીઓને આમંત્રણ આપી અમદાવાદના આ કુવિખ્યાત ગુન્હેગારો દ્વારા ગુન્હાઓ કરી પોતાના આ અડ્ડાઓમાં સંતાઈ જતા હોવાને કારણે રાજ્ય પોલીસના હાથમાં આવતા ન હોવાથી અને બે-ચાર પોલીસ આ વિસ્તારોમાં જવાની હિંમત કરતા ન હોવાથી રાજ્યભરની પોલીસની ચુનંદી ટીમ કે જેઓ ગુન્હેગારોને ઓળખે છે તે પકડવા માટે તબક્કાવાર આવશે તો પોતાની ચુનંદી ટીમ મોકલી આવા ગુન્હેગારોને પકડી જે તે જિલ્લા-શહેરને સોંપી આપવા સામેથી જણાવેલ. જે મુજબ અમલ પણ કરેલ.

અકિલા સાથેની વાતચીતમાં એડી. પોલીસ કમિશ્નર અશોકકુમાર યાદવે જણાવેલ કે, હવે રાજ્યભરની પોલીસને તેમના ગુન્હેગારોને કે જેઓ અહીં સંતાણા છે તેમને પકડવા માટે અહીં આવવા આમંત્રણ અપાયા છે. અમારી ચુનંદી ખાસ ટીમો આ ગુન્હેગારોને પકડવામાં સાથે રહેશે તેવી પણ ખાત્રી આપ્યાનું તેઓએ જણાવેલ. તેઓએ વિશેષમાં એવુ પણ જણાવેલ કે, દારૂના અડ્ડાઓ બંધ થયા બાદ લુખ્ખાગીરી કરવા જ ટેવાયેલા કુવિખ્યાત વિસ્તારના અને કુવિખ્યાત ગેંગના લોકો સામાન્ય લોકો સાથે લુખ્ખાગીરી ન કરે તે જોવા માટે પણ અમે ચુનંદી ટીમની રચના કરવાની દિશામાં સક્રીય છીએ.

(3:30 pm IST)