Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

અમદાવાદ - મિરઝાપુરમાં બે જૂથો બાખડી પડયા : જોરદાર પથ્થરમારો : પોલીસે લાઠીઓ વિંઝી ટોળા વિખેર્યા

એક યુવાન પર તીક્ષ્ણ હથિયારથી હુમલા બાદ બઘડાટી

રાજકોટ તા. ૨૦ : અમદાવાદના મિરઝાપુરમાં સોમવારે મધરાતે ત્રણ ખુણીયા બગીચા પાસે રૂપિયાની લેતી-દેતીમાં એક કોમના બે જુથ વચ્ચે અથડામણ બાદ પથ્થરમારો થયો હતો. શાહપુર પોલીસે બન્ને પક્ષે સામ સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં રૂ. ૧૪ લાખની લેવડ દેવડ બાબતે પ્રથમ શાહપુરમાં વડ પાસે એક યુવક પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મિરઝાપુર ત્રણ ખુણીયા બગીચા પાસે જુથ અથડામણ બાદ પથ્થરમારો થયો હતો. શાહપુર થયેલા હુમલામાં બે યુવકોને ઇજા થઇ હતી.

આ કેસની વિગત એવી છે કે મિરઝાપુર ત્રણ ખુણીયા બગીચા પાસે માતૃછાયા બિલ્ડીંગમાં રહેતા અને આવકાર ઓટો મોબાઇલના નામે કારની લે-વેચનો ધંધો કરતા મોહંમદ ફિરદોશ ઉર્ફે અલ્લુ ઇસ્માઇલ ઉર્ફે બસ્તી ગફુરભાઇ ખિલજીએ શાહપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે, કે સોમવારે રાત્રે ૧૨.૧૫ વાગે ફરિયાદી અને તેમના મિત્ર જાકીર, અરબાઝ અને સલીમ શાહપુર વડ ખાતે બેઠા હતા આ સમયે માજીદ ઠાકુર આવ્યો હતો તેની પાસે અમોએ ઉઘરાણીના રૂ. ૧૪ લાખની માંગણી કરી હતી. તો તેણે કહ્યું કે પહેલા ચેક આપો પછી પૈસાનું વિચારીશું, આ પ્રમાણે વાત થયા બાદ માજીદ અન તેનો ભાઇ મુન્નાવર તથા સરફરાઝ લુહાર એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને ગાળો બોલતા હતા. ત્યારબાદ પાઇપથી ફરિયાદી પર હુમલો કર્યો હતો.

જેમાં ફરિયાદી અને તેના મિત્રને ઇજા થતાં બન્નેને હોસ્પિટલમાં ખસેડાયા હતા. અન્ય ફરિયાદમાં શાહપુર વડ પાસે લીમડાવાળી મસ્જિદ સામે રહેતા નસીમાબાનું ઇકબાલહુસેન શેખએ શાહપુર પોલીસ સ્ટેશન ખાતે જાકીર, અરબાઝ, અલ્લુ અને નઇમ તથા ફિરોઝ, બસ્તી ખીલજી તેમજ બીલાલ સામે ફરિયાદ નોધાવી હતી કે ગઇકાલે મોડી રાતે અમો પરિવાર સાથે ઘ ર બહાર બેઠા હતા ત્યારે શાહપુર વડ પાસે તેમના દિકરો તેના મિત્રો સાથ બેઠો હતો, તે સમયે જાકીર સહિત પાંચ શખ્સો આવ્યા હતા અને મારા દિકરાએ પૂછ્યું કે પેન્ટર કયા છે. મારે તની પાસે રૂપિયા લેવાના છે, તેને બહાર કાઢો નહિતર ગાડીઓ ઉપાડી જઇશું તેમ કહેતા ફરિયાદીના દિકરાએ તહેવરમાં મહોલ્લામાં આ રીતે દાદાગીરી નહી કરવાની તેમ કહીને પોલીસ બોલાવવાની વાત કરતો તેઓ હાથમાં છરીઓ સાથે હંગામો મચાવીને ગોળા બોલતા હતા જો કે લોકો એકઠા થઇ જતાં તેઓ ધમકી આપીને વાહનો મૂકીને નાસી ગયા હતા.

ત્યારબાદ ફરિયાદી તથા પડોશીઓ રાત્રે ૧ વાગે મિરઝાપુર ત્રણ ખુણીયા બગીચા પાસે ઠપકો આપવા માટે ગયા હતા. જયાં જાકીરનો મિત્ર બસ્તી અને આસપાસના લારી ગલ્લાવાળાઓ એકઠા થઇ ગયા હતા અને વસ્તીએ છરી બતાવીને આજ તો તમે બધાને અહિથી જીવતા નહી જવા દઉ કહીને ધમકી આપી હતી અને જોતજોતામાં આ લોકોઓ પથ્થરમારો કરીને કાચની બોટલો ફેકી હતી.

પથ્થમારાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે શાહપુર પોલીસ કાફલો આવી પહોચ્યો હતો અને પોલીસે લાઠીચાર્જ કરીને ટોળાને વિખેરી કાઢ્યું હતું.

(12:46 pm IST)