Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

કોંગ્રેસની ભાજપમાં પણ ઠેરઠેર બબાલ

ભાજપના અસંતુષ્ટોએ કોંગ્રેસની મદદથી પ્રમુખ-ઉપપ્રમુખના ઉમેદવાર ઉભા રાખ્યા : સાણંદ તા.પંચા. ચૂંટણીમાં મારામારીઃ ચૂંટણી મુલત્વી રહીઃ હવે રરમીએ થશે

રાજકોટઃ અમદાવાદ નજીક આવેલ સાણંદ તાલુકા પંચાયતની મંગળવારે પ્રમુખ-ઉપપ્રમુખની યોજાયેલી ચુંટણીમાં સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારી થતા ચુંટણી મુલત્વી રાખવામાં આવી હતી. ભાજપના ૬ અસંતુષ્ટ સભ્યોએ બળવો કરીને કોંગ્રેસી સભ્યોની મદદથી પોતાના ઉમેદવાર ઉભા રાખતા સામાન્ય સભામાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. હવે ચુંટણી આગામી તા.રર જુને યોજાવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

સાણંદ તા.પં.માં ર૪ સભ્યોમાંથી ૧૭ સભ્યો ભાજપના અને ૭ સભ્યો કોંગ્રેસના છે. જેમાં ભાજપમાંથી ૬ સભ્યોએ બળવો કરતા તાલુકા પંચાયતનું રાજકારણ ગરમાઇ જવા પામ્યું છે. ભાજપના સભ્યોમાં અંદરોઅંદર પ્રવર્તી રહેલા અસંતોષને લઇને ભાજપે સાણંદ તાલુકા પંચાયત ગુમાવવા સુધીનો નોબત આવી પડતી જિલ્લા ભાજપના આગેવાનો ચિંતાતુર બની ગયા છે.

ભાજપે બાકીના અઢી વર્ષની મુદત માટે પ્રમુખ પદના ઉમેદવાર તરીકે જયશ્રીબા પ્રવિણસિંહ વાઘેલા અને ઉપપ્રમુખ માટે વિજુબેન મંજીભાઇ કોળી પટેલને ઉમેદવારી ફોર્મ ભરાવ્યા હતા. તેનાથી નારાજ ભાજપના ૬ સભ્યોએ કોંગ્રેસના ૭ સભ્યોની મદદથી પ્રમુખ પદ માટે રંજનબા મનવરસિંહ વાઘેલા અને ઉપપ્રમુખ પદ માટે ભરતસિંહ ધીરૂભાઇ ડોડીયાને ઉભા રાખીને ઉમેદવારી નોંધાવી હતી. સવારે જયારે તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી યોજાવાની હતી. ત્યારે તાલુકા પંચાયતના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. ભારે હંગામા વચ્ચે મામલો મારામારી સુધી પહોંચી જતા આખરે સભા મુલત્વી રાખવામાં આવી હતી.

તાલુકા પંચાયતના સદસ્યોની ગ્રાંટ કયા વાપરવી? તેનો નિર્ણય સદસ્યોએ લેવાનો હોય તે અધિકાર પણ છીનવી લેવાયો હોવાથી અસંતોષ વધ્યો છે.

(11:59 am IST)