Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

અમદાવાદ કોર્પોરેશનની રિકવરી માટેની પ્રક્રિયા હવે સવાલોના ઘેરામાં

વસૂલાત પુરતા પ્રમાણમાં થઇ રહી નથી : ગત ચોમાસાં વિવિધ વિસ્તારોમાં ૯૧ રોડ-રસ્તાઓ તૂટયા હતા : અમ્યુકો કોન્ટ્રાકટરોને વસૂલાત માટે નોટિસ આપશે

અમદાવાદ,તા.૧૯: ગત ચોમાસાના પહેલા રાઉન્ડના સામાન્ય વરસાદમાં શહેરભરના મોટાભાગના રસ્તાઓ તૂટી ગયા હતા. કરોડો રૃપિયાના ખર્ચે તૈયાર કરાયેલા રસ્તાઓ ઠેર ઠેર તૂૂટતાં રાજ્યભરમાં રોડ કૌભાંડથી ભારે ઊહાપોહ સર્જાયો હતો. છેક ગાંધીનગર સુધી તેના ઘેરા પ્રત્યાઘાત પડતાં તેમજ હાઇકોર્ટે પણ તેની ગંભીર નોંધ લેતાં મ્યુનિસિપલ સત્તાવાળાઓને સમગ્ર કૌભાંડની વિજિલન્સ તપાસ કરાવવાની ફરજ પડી હતી. હવે અમ્યુકો તંત્ર દ્વારા સમગ્ર વિવાદ ખાળવા તૂટેલા રોડના કોન્ટ્રાકટરો પાસેથી નુકસાનીની રકમ વસૂલવાના ચક્રો ગતિમાન કર્યા છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, શહેરમાં રોડ-રસ્તાઓ તૂટયા હતા કરોડો રૃપિયાના અને વસૂલાત માત્ર નામની થઇ રહી છે એટલે કે, દોષિત કોન્ટ્રાકટરો પાસેથી માત્ર રૃ.૬.૫૦ કરોડ જ વસૂલવાની તજવીજ થઇ રહી છે, વાસ્તવમાં નુકસાનીનો આંક કરોડો રૃપિયાનો થવા જાય છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, ગત મંગળવારે તંત્ર દ્વારા વિજિલન્સ તપાસના બીજા તબક્કા હેઠળ ર૦ મ્યુનિસિપલ ઇજનેરને નોટિસ ફટકારાઇ હતી. હવે સત્તાધીશોએ રોડ તૂટવાના મામલે દોષિત પુરવાર થયેલા કોન્ટ્રાક્ટર પાસેથી રૃ.૬.પ૦ કરોડની વસૂલાત કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની વિજિલન્સ તપાસના પ્રથમ તબક્કામાં તૂટેલા ૯૧ રોડ પૈકી ૪પ રોડમાં ઇજનેર વિભાગની ગુનાઇત બેદરકારી પ્રકાશમાં આવતાં ટોચના એડિશનલ સિટી ઇજનેર સહિત કુલ ર૬ ઇજનેરને વિભિન્ન રોડ માટે કુલ ૮૧ નોટિસ ફટકારાઇ હતી. તે વખતે જી.પી. ચૌધરી, આકાશ ઇન્ફ્રાસ્ટ્રકચર અને જે.આર. અગ્રવાલને ત્રણ વર્ષ માટે બ્લેક લિસ્ટ કરાયા હતા. આ પહેલાં ગુરુકુળ સરકારી વસાહતથી સુભાષચોક સુધીના રોડના રિસરફેસિંગના કામમાં જે.આર.અગ્રવાલનો ભ્રષ્ટાચાર પકડાયો હતો. તેમછતાં સત્તાધીશો દ્વારા આ કોન્ટ્રાકટરને માત્ર એક વર્ષ માટે બ્લેક લિસ્ટ કરીને છાવરવામાં આવ્યા હતા. સત્તાવાળાઓએ અન્ય કોન્ટ્રાકટર પણ હલકી ગુણવત્તાના રોડ માટે એટલા જ જવાબદાર હોવા છતાં તેમની વિરુદ્ધ આંખ આડા કાન કરાયા હોવાનો વિવાદ ઊઠ્યો હતો. તંત્ર દ્વારા રોડ કૌભાંડના કારણે રોડનાં ટેન્ડર ન ભરાતાં કોન્ટ્રાક્ટરને રોડના મટીરિયલના ટેસ્ટિંગ સહિતના નિયમોમાં ભારે છૂટછાટ આપીને રોડ કૌભાંડ પૂર્વેની સ્થિતિને યથાવત્ કરી દેવાઇ હતી. આ ઉપરાંત રોડનાં કામો માટે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરાવવાની તંત્રની દરખાસ્તથી પણ ભારે વિવાદ સર્જાયો હતો. રોડનાં કામોનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરાવવાથી ઇજનેર વિભાગના અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી છટકી જશે તેવા વિપક્ષ કોંગ્રેસના આક્ષેપનો તાજેતરમાં મળેલી મ્યુનિસિપલ સભામાં ખુદ કમિશનર મુકેશકુમારને રદિયો આપવો પડ્યો હતો. દરમિયાન ગયા મંગળવારે સત્તાવાળાઓએ બીજા તબક્કાની વિજિલન્સ તપાસમાં બાકી ૪૬ તૂટેલા રોડ સંદર્ભે ર૦ ઇજનેરને નોટિસ ફટકારવામાં આવી હતી, જો કે, કેટલાક ઇજનરને ફરીથી એક વખત નોટિસ ફટકારાતાં તેઓમાં નારાજગીની લાગણી ફેલાઇ હતી.

બીજીબાજુ, રોડના કૌભાંડમાં સંડોવાયેલા કોન્ટ્રાક્ટર પાસેથી કુલ રૃ.૬.પ૦ કરોડની વસૂલાત કરવાની તાકીદ રોડ પ્રોજેક્ટ વિભાગ અને જે તે ઝોનના ઇજનેર વિભાગના વડાને કરાઇ છે. હવે ટૂંક સમયમાં ઇજનેર વિભાગ દ્વારા જે તે કોન્ટ્રાક્ટરને આ સંદર્ભે નોટિસ પાઠવવામાં આવશે અને વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

 

(9:49 pm IST)