Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

નરેન્‍દ્રભાઇ મોદી, અેલ.કે. અડવાણી, ડો. પ્રવીણ તોગડીયા અને અશોક સિંઘલને ધમકીભર્યો મેઇલ મોકલવાના પ્રકરણમાં ૧૬ વર્ષ બાદ સાક્ષીને કોર્ટમાં રજૂ કરાયો

અમદાવાદઃ 2002માં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને દેશના નાયબ વડાપ્રધાન એલ.કે અડવાણી તેમજ વિશ્વ હિંદૂ પરિષદના લીડર પ્રવીણ તોગડીયા અને અશોક સિંઘલ વિરુદ્ધ તેહરિક-એ-કસસનામના ઓર્ગેનાઇઝેશન દ્વારા ધમકીભર્યા ઈમેઇલ મોકલવામાં આવ્યા હતા. જે સંદર્ભે પોલીસે મહોમ્મદ રિઝવાન કાદરીની ધરપકડ પણ કરી હતી.

આ મેઇલમાં લખવામાં આવ્યું હતું કે, ‘અમે તમારો અને તમારા સાથી વીએચપી, બજરંગદળ અને આરએસએસનો ખાત્મો બોલાવીશું. ફેબ્રુઆરી 2003 પહેલાં અમે તમારો ત્યારબાદ અડવાણીનો અને ત્યારબાદ તોગડીયા તથા સિંઘલનો પણ ખાત્મો બોલાવીશું. નર્કમાં જવા માટે તૈયાર રહો.રાજ્યની સુરક્ષા એજન્સીઓને આ મેઇલ અંગે 12 ડિસેમ્બર 2002માં જાણ થઈ.

જે બાદ એજન્સીઓએ કાદરીને ટ્રેસ કરીને પકડી પાડ્યો હતો અને ફેબ્રુઆરી 25 2003ના રોજ તેના વિરુદ્ધ FIR દાખલ કરી IPCની 507 અને સેક્શન 67 આઈટી એક્ટની કલમો લગાવવામાં આવી હતી. પ્રાથમિક સ્તરે સેટેલાઇટ પોલીસ સ્ટેશન ખાતે આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો જ્યારબાદ તેને એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડને સોંપી દેવામાં આવ્યો હતો.

હવે, લગભગ દોઢ દાયકા બાદ આ કેસ કોર્ટમાં શરુ થયો છે અને ફરિયાદી હિતેન શાહ આ સપ્તાહમાં ફરિયાદ નોંધાયાના 16 વર્ષ બાદ પહેલીવાર કોર્ટના વિટનેસ બોક્સમાં હાજર રહ્યા હતા. જેમાં બંને પક્ષના વકીલોએ તેમની પૂછપરછ કરી હતી. આ કેસમાં પ્રોસિક્યુશન દ્વારા વધુ તપાસ માટે સમય માગવામાં આવતા હવે નવી તારીખ 27 જૂન આપવામાં આવી છે.

2010માં આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે સેક્શન 67 અંતર્ગત IT એક્ટની કલમને પડતી મૂકવા આદેશ કર્યો હતો. આરોપી કાદરીએ મેજિસ્ટેરિયલ કોર્ટને તેના વિરુદ્ધના તમામ ચાર્જ પડતા મૂકી તેને આરોપમુક્ત કરવા અપીલ કરી હતી જોકે કોર્ટે તેને 2007માં જ નકારી કાઢી હતી. જ્યારે હાઈકોર્ટે IT એક્ટની કલમ પડતી મુકી સેશન કોર્ટને IPCની કલમ 507 અંતર્ગત કેસ ચલાવવા આદેશ કર્યો હતો.

(7:55 pm IST)