Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

પેટલાદ તાલુકાના કણીયા ગામે ખેતરમાં જમીનના ભાગલા બાબતે થયેલ ઝઘડામાં સામસામે હુમલો કરવામાં આવતા પોલીસ ફરિયાદ

પેટલાદ:તાલુકાના કણીયા ગામના રાધાપુરા વિસ્તારમાં આવેલ બેચર વિરાવાળા ખેતરમાં જમીનના લાગભાગ બાબતે ઝઘડો થતા એકને ગળાના ભાગે તેમજ માથામાં ધારીયાના ઘસરકા કરીને,લાકડાના ડંડાથી મારી મારીને ઈજાઓ પહોંચાડી હતી. આ અંગે પેટલાદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. મળતી વિગતો મુજબ લાખાભાઈ તળપદા ગઈકાલે બપોરના બારેક વાગ્યાના સમયે બેચર વિરાવાળા ખેતરમાં છાપરું બનાવતા હતા. દરમ્યાન જમીનના લાગભાગ બાબતે દિનેશ જશભાઈ તળપદા, મહેશ પુનમભાઈ તળપદા, મોહન ખોડાભાઈ તળપદા અને વિનુ ઉર્ફે મણી ખેડાભાઈ તળપદા આવી પહોચ્યા હતા અને ગાળો બોલીને ઝપાઝપી કરી ઝઘડો કર્યો હતો. દિનેશે ઝપાઝપી દરમિયાન પોતાના હાથમાનું ધારીયું આડુ કરી દેતાં લાખાભાઈને ગળાની બન્ને બાજુ ઘસરકા પડી ગયા હતા તેમજ ધારીયાનું ચાંચ માથામાં અડી જતાં લાંબો ચીરો પડી જતાં ગંભીર ઈજા પહોંચી હતી. મોહને લાકડાના ડંડાથી તેમજ મહેશ અને વિનુએ ગડદાપાટુનો માર મારીને આજે તો બચી ગયા છો, ફરીથી આ ખેતરમાં પગ મુકશો તો જીવતા નહીં મુકીએ તેવી ધમકી આપી હતી. ગંભીર રીતે ઘવાયેલા લાખાભાઈને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતાં. આ અંગે ગોરધનભાઈની ફરિયાદને આધારે પોલીસે ચારેય ઈસમો વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને તેમને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

(6:44 pm IST)