Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

સુરત શહેરમાં 6 મજૂરોનો ભોગ લેનાર સચિન જીઆઇડીસીમાં ગેસકાંડના આરોપમાં બે આરોપીના જામીન અદાલતે નામંજૂર કરી

સુરત:મુંબઈની હાઈકેલ કંપનીના હેઝાર્ડસ કેમીકલ ઠાલવતા થયેલા ગેસને લીધે 6 મજુરોના મોત તથા 22શ્રમજીવીને થયેલી વિપરિત અસરના પ્રકરણમાં સાપરાધ મનુષ્ય વધના ગુનાઈત કારસામાં સંડોવાયેલા બે આરોપીઓની ચાર્જશીટ બાદ સમન્યાયના સિધ્ધાંત હેઠળ જામીનની માંગને આજે એડીશ્નલ સેશન્સ જજ દિલીપ મહીડાએ નકારી કાઢી છે. સચીન જીઆઈડીસીની ખાડીમાં ગઈ તા.8-1-22 ના રોજ  મહારાષ્ટ્રના તળોજા સ્થિત હાઈકેલ કેમીકલ કંપનીના હેઝાર્ડસ સોડીયમ હાઈડ્રો સલ્ફાઈડ કેમીકલ ઠાલવવા દરમિયાન ગેસ કાંડ સર્જાતા વિશ્વા પ્રેમ મિલના 6 કારીગરોના મોત અને 22 કારીગરોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થઇ હતી. સચિન પોલીસે સાપરાધ મનુષ્ય વધ અને એન્વાયર્નમેન્ટ પ્રોટેકશન એકટ સહિતના ગુનાની કલમો હેઠળ મુંબઈની હાઈકેલ કંપની, વડોદરાની સંગમ એન્વાયરોમેન્ટ કંપની સહિત ટેન્કર ચાલક, માલિક સહિત કુલ 18 આરોપીઓ સામે ગુનો નોંધીને 14 ની ધરપકડ કરી છે. તે પૈકી 9 આરોપીઓ સંગમ એન્વાયરોમેન્ટ કંપનીના છે. આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે તથા સ્થાનિક અદાલતે આરોપી વિજય ધીરુ ડોબરીયા, સૌરભ ગાબાણી, રમણ બારીયા, પરશુરામ ચલાકુલા વગેરેને શરતોને આધીન જામીન મળતા સહ આરોપી પ્રેમસાગર ઓમપ્રકાશ ગુપ્તા (રે.શિવનગર સોસાયટી, સચીન) તથા જયપ્રકાશ ઉર્ફે ગુડ્ડુ રામકિશોર તોમર (રે.આલીશાન સીટી રેસીડેન્સી,અંકલેશ્વર ભરુચ)એ ચાર્જશીટ રજુ થયા બાદ જામીન માટે માંગ કરી હતી. જેની સુનાવણી દરમિયાન બચાવપક્ષે મુખ્યત્વે આ કેસમાં 4 હજાર પાનાની ચાર્જશીટ રજુ થયા બાદ કેસ ચાલવામાં વિલંબ થાય તેવી સંભાવના છે.આ કેસના અન્ય આરોપીઓને શરતી જામીન આપવામાં આવ્યા હોઈ પ્રથમ દર્શનીય કેસના અભાવે હાલના આરોપીઓને સમન્યાયના સિધ્ધાંત હેઠળ જામીન આપવા માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે વિશાલ ફળદુએ જણાવ્યું હતું કે હાઈકોર્ટે તથા સ્થાનિક અદાલતે જામીન મુક્ત કરેલા આરોપીઓને ગુણદોષના આધારે જામીન આપ્યા છે.હાલના આરોપીઓ ની ગુનામાં સક્રીય સંડોવણી હોઈ જામીન મુક્ત આરોપીઓ કરતા ગુનામાં ભુમિકા મહત્વની છે.સહ આરોપી વિશાલ ઉર્ફે છોટુ યાદવ, જયપ્રતાપ ઉર્ફે ગુડ્ડુ તથા ડ્રાઈવર સુરેન્દ્રસિંગનો ટ્રાન્સપોર્ટ મારફતે જોખમી વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો છે.જેમાં આરોપીએ ટેન્કર ક્રોસિંગ કરવામાં સીધી કે આડકતરી ભૂમિકા ભજવી છે.આરોપીએ આર્થિક લાભ મેળવવા એકબીજાના મેળાપિપણામાં આરોપીઓ એકબીજાના સંપર્કમાં રહીને આવા કેમીકલ ના નિકાલ કરવા દરિયાકિનારાની ખાડી શોધી રાખીને ગેરકાયદે નિકાલ કરતા હતા.હાઈકેલ કંપનીમાંથી નેગેટીવ ચાર્જની રકમ વસુલ તે ચુકવવી ન પડે તે માટે જુદા જુદા પાંચ ટેન્કર મુંબઈથી ગુજરાત લાવીને નિકાલ કર્યો છે.આરોપીઓના કૃત્યના કારણે છ વ્યક્તિઓના મોત નિપજવા ઉપરાંત ૨૨ લોકોને સ્વાસ્થ્ય પર વિપરિત અસર થવા પામી છે.

(6:38 pm IST)