Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

અમદાવાદ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં હીટવેવની હવામાન વિભાગની આગાહીઃ મહત્તમ તાપમાનનો પારો 46 ડિગ્રી સુધી પહોંચવાની શક્‍યતા

મે મહિનાના અંતમાં કાળઝાળ ગરમી પડશે તથા જુનના પ્રારંભે પ્રિ-મોન્‍સુનનો પ્રારંભ થશે

અમદાવાદઃ ગુજરાતમાં ગરમીનો વધુ એક રાઉન્‍ડ તથા અમદાવાદ-ગાંધીનગરમાં 46 ડિગ્રી તાપમાન થવાની શક્‍યતાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મે મહિનાના અંતમાં ગરમી અને જુનના અંતમાં ચોમાસાનો પ્રારંભ થઇ શકે છે.

દેશના અનેક ભાગોમાં ચોમાસું આવી ગયુ છે, જેને કારણે વાતાવરણમા ગરમીનો પારો ઓછો થયો છે. ગુજરાતમાં હવે રાત પડ્યે ઠંડો પવન અનુભવાય છે. પરંતુ હવે ગરમી જતી રહી તેવુ માનતા હશો તો તમે ખોટા છો. કારણ કે, ગુજરાતમાં ગરમીના વધુ એક રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં મે મહિનાના અંત સુધી કાળઝાળ ગરમી પડશે.

ક્યારે આકરી ગરમી પડશે

અમદાવાદ અને ગાંધીનગરમાં હિટવેવની આગાહી કરવામા આવી છે. આવામાં ગરમીનો પારો 46 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. ત્યારે હવામાન ખાતાના અપડેટ મુજબ, 10થી 15 જૂન વચ્ચે રાજ્યમાં ચોમાસાનું આગમન થશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 3 દિવસમાં અમદાવાદ સહિત ગાંધીનગર તથા સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને કચ્છમાં હિટવેવની સંભાવના છે. જે જોતા અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, કચ્છમાં આગામી 20થી 22 મે સુધી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યના 10 શહેરોમાં ગઈકાલે ગુરુવારે ગરમીનો પારો 41 ડિગ્રીને પાર રહ્યો હતો. જેમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 43.7 ડિગ્રી, અમદાવાદમાં 43.5 ડિગ્રી, ગાંધીનગરમાં 43 ડિગ્રી, રાજકોટમાં 42.9 ડિગ્રી, અમરેલીમાં 42.8 ડિગ્રી, ભુજમાં 42.4 ડિગ્રી અને વડોદરામાં 41.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં જૂનના પ્રારંભે જ પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થઇ જશે. જો કે કચ્છને જૂનના અંત સુધી ચોમાસાની રાહ જોવી પડશે.

(6:17 pm IST)