Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

નાથુરામ ગોડસેનો જન્મદિન ઉજવનાર આઠની અટકાયત

સુરતમાં ગોડસના જન્મ દિવસ વેળા કાર્યવાહી : સુરતના લિંબાયત ખાતે પંચમુખી હનુમાન મંદિરે ગોડસેની તસવીર સામે ૧૦૯ દિવા પ્રગટાવી, ૧૦૯ લાડુનો પ્રસાદ

અમદાવાદ,તા.૨૦ : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ગોળીઓ મારી હત્યા કરનારા નથુરામ ગોડસેને લઈને થોડા દિવસ પહેલા લોકસભાની ચૂંટણીમાં પણ ભારે વિવાદ થયો હતો ત્યારે સુરતના લિંબાયતમાં આજે ભારતીય હિન્દુ મહાસભાના કાર્યકરો દ્વારા નથુરામ ગોડસેની ૧૦૯મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવતા મોટો વિવાદ સર્જાયો હતો. દેશભકત નાગરિકોની લાગણી દુભાઇ હતી તો, ભાજપે પણ આ સમગ્ર ઘટનાની આકરા શબ્દોમાં નિંદા કરી હતી. વિવાદ વકરતાં લિંબાયત પોલીસ પણ હરકતમાં આવી હતી અને અખિલ ભારતીય હિન્દુ મહાસભાની ઉજવણી કરનારા આઠ કાર્યકરોની અટકાયત કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. સુરતના લિંબાયત ખાતે આજે અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા પંચમુંખી હનુમાનજીના મંદિર ખાતે નાથુરામ ગોડસેની તસવીર મૂકી તેની સામે ૧૦૯ દિવા પ્રગટાવી અને ૧૦૯ લાડુનો પ્રસાદ ધરાવી તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જો કે, ગોડસેની જન્મદિનની ઉજવણીને લઇ સમગ્ર રાજયમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસે પણ આ ઘટનાની આકરા શબ્દોમાં નિંદા કરી તેને વખોડી કાઢી હતી. તો બીજીબાજુ, સુરત સહિત રાજયના પ્રજાજનોમાં પણ ઘટનાને લઇ ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો હતો. ગોડ્સેના જન્મ દિવસની ઉજવણીનો વિરોધ કરતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વિટ પણ કર્યું હતું. લિંબાયત વિસ્તારમાં ગુજરાત અખિલ ભારતીય હિન્દુ મહાસભાના યુવાઓ દ્વારા નાથુરામ ગોડસેના ૧૦૯માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. દરમ્યાન હિન્દુ મહાસભાના યુવા નેતા હિરેન મુશરાએ જણાવ્યું કે, ગોડસેએ ગાંધીની હત્યા કરી તે એક અલગ વાત છે.પરંતુ ગાંધીની જે નીતિ અને વિચારધારા હતી, તેના કારણે હિંદુઓ પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો હતો.ગાંધીની અહિંસાવાળી નીતિનો નાથુરામ ગોડસેનો વિરોધ હતો.જેથી હિન્દુઓ પર થતા અત્યાચાર રોકવા તેમણે ગાંધીજીની હત્યા નહીં પરંતુ વધ કર્યો હતો. લિંબાયતમાં નથુરામ ગોડસેની થયેલી ઉજવણીને લઈને લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી. ગાંધીજી અને ગોડસેને ચૂંટણી પ્રચારમાં બેફામપણે ઉપયોગમાં લીધા બાદ આ રીતે સુરતમાં થયેલી ઉજવણીને લઈને લોકોએ ફરી ગાંધીજીની હત્યા સાથે આ ઘટનાને સરખાવીને રોષ પ્રગટ કર્યો હતો. બીજીબાજુ, સમગ્ર વિવાદ વકરતાં સ્થાનિક પોલીસે અખિલ ભારતીય હિન્દુ મહાસભાના આઠ કાર્યકરોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. અટકાયત બાદ ઉત્તેજના ફેલાઈ હતી.

(9:18 pm IST)