Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

અમુલે દૂધના ભાવમાં લિટરે બે સુધી ફરીથી કરેલો વધારો

ગોલ્ડ, શક્તિ અને ટી-સ્પેશિયલમાં વધારો થયો : ઉનાળામાં દુધની આવક ઘટી જતા ભાવ વધારો કરવામાં આવ્યો હોવાની દલીલ : ભાવવધારો તરત અમલી કરાયો

અમદાવાદ,તા. ૨૦ : અમુલે ફરી એકવાર દુધમાં પ્રતિલિટર રૂ.૨નો આકરો વધારો ઝીંકયો છે, જેને લઇ હવે લોકોમાં ઉગ્ર આક્રોશ ફેલાયો હતો. કારણ કે, છાશવારે દૂધના ભાવમાં કરવામાં આવતાં ભાવવધારાને લઇ ગરીબ અને મધ્યમ વર્ગની કમર તૂટી જાય છે અને આ બંને વર્ગ પર ભાવવધારાની સીધી અસર થતી હોય છે ત્યારે છાશવારે દૂધના ભાવોમાં આ પ્રકારે ભાવવધારાને નિયંત્રિત કરવા અને અટકાવવા રાજય સરકારે દરમ્યાનગીરી કરી યોગ્ય નીતિ અમલી બનાવવી જોઇએ તેવી પણ આમજનતામાં ઉગ્ર માંગ ઉઠવા પામી છે. અમુલ દ્વારા આજે કરાયેલી જાહેરાત મુજબ, અમુલ ગોલ્ડ, અમુલ શક્તિ અને ટી-સ્પેશિયલ દૂધમાં પ્રતિલિટર રૂ.બે નો ભાવવધારો કરવામાં આવ્યો છે. આ નવો ભાવવધારો આવતીકાલથી અમલી બની જશે. જો કે, અમુલ દ્વારા દૂધમાં ભાવવધારો થતાં દૂધની બનાવટની અન્ય ચીજવસ્તુઓ તેમ જ ચાના ભાવમાં પણ વધારો થાય તેવી શકયતા પ્રવર્તી રહી છે. જેને લઇ લોકો હવે અમુલના છાશવારે ભાવવધારા કરવાના નફાખોરીવાળા વલણને લઇ અકળાયા છે. ઉનાળાની ગરમી દરમ્યાન અમુલમાં દૂધની આવક ઘટતાં આ ભાવવધારો કરાયો હોવાનો અમુલ સત્તાધીશો બચાવ કરી રહ્યા હોવાની વાત સામે આવી રહી છે પરંતુ લોકોએ અમુલ પરત્વે ઉગ્ર આક્રોશ ઠાલવતાં જણાવ્યું હતું કે, કોઇને કોઇ બહાના હેઠળ અમુલ દ્વારા છ-બાર મહિને બબ્બે રૂપિયાનો આકરો ભાવવધારો ઝીંકી દેવાય છે. બે રૂપિયાનો ભાવવધારો એટલે વધુ પડતો કહેવાય. સામાન્ય રીતે એક પરિવારમાં બેથી ચાર લિટર દૂધ લેવાતુ હોય તો, માત્ર એક જ પરિવાર પાસેથી ભાવવધારા હેઠળ રૂ. દસ ખંખેરી લેવાય તો, રાજયભરના કુલ ગ્રાહકો પાસેથી કેટલા રૂપિયા ખંખેરવાના કારસો રચાયો છે તે સરકારે વિચારવું જોઇએ. અમુલ દ્વારા છાશવારે કરવામાં આવતાં દૂધના ભાવમાં વધારાને નિયંત્રિત કરવા રાજય સરકારે ગંભીરતાપૂર્વક દરમ્યાનગીરી કરવી જોઇએ અને ના હોય તો આ સમગ્ર મામલે યોગ્ય નીતિ અમલી બનાવવી જોઇએ. આ બીજું કંઇ નહી પરંતુ નિર્દોષ જનતા પાસેથી ઉઘાડી લૂંટ છે એવો પણ લોકોએ આક્રોશ વ્યકત કર્યો હતો. દૂધના ભાવવધારાની સાથે સાથે આજે અમુલે દૂધની ખરીદીના ભાવમાં પણ વધારો કર્યો હતો. જેમાં ભેંસના દૂધમાં પ્રતિકિલો ફેટે રૂ.૧૦ અને ગાયના દૂધમાં પ્રતિકિલો ફેટે રૂ.૪.૬૦નો વધારો કરવામાં આવ્યો હતો.

ભાવ વધારાથી વધુ બોજ

*   અમુલ દ્વારા દુધના ભાવમાં ફરી એકવાર વધારો કરાયો

*   અમુલ દુધની બ્રાન્ડ ગોલ્ડ, શક્તિ અને ટી-સ્પેશિયલ દુધના ભાવમાં લિટરે બે રૂપિયા સુધીનો વધારો કરાયો

*   ભાવવધારો થતા લોકોના બજેટ પર અસર થવાની શક્યતા

*   ભાવવધારાને લઈને કેટલાક વર્ગના લોકોમાં નારાજગી ફેલાઈ

*   અમુલ દ્વારા ભાવવધારો વારવાર કરવામાં આવે છે ત્યારે સરકારે ગંભીરતાપૂર્વક દરમિયાનગીરી કરવી જોઈએ તેવી માંગ કરવામાં આવી

(8:31 pm IST)
  • રાજકોટમાં ૧૦ કિલો ગાંજા સાથે મહેમૂદા ઉર્ફ લાલુડી પકડાઇઃ દેવપરા પાસે વિવેકાનંદનગરમાં રહેતી સંધી મુસ્લિમ મહિલા રિક્ષામાં બેસી નિલકંઠ ટોકિઝ પાસેથી નીકળતાંભકિતનગરના કોન્સ. દેવાભાઇ ધરજીયા અને ભાવેશભાઇ મકવાણાની બાતમી પરથી દબોચી લેવાઇઃ રિમાન્ડ મેળવવા તજવીજ access_time 11:25 am IST

  • આવતીકાલે પ્રધાનમંડળની અંતિમ બેઠક બોલાવતા વડાપ્રધાન : હવે પછી નવુ પ્રધાનમંડળ આવશે access_time 4:26 pm IST

  • નરેન્દ્રભાઈ મોદી જ બનશે વડાપ્રધાન પરંતુ કેટલાક મુદ્દે ભાજપથી અમારી વિચારધારા અલગ છે :બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે કહ્યું કે અમને આશા છે કે કેન્દ્રમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આગામી સરકાર બનશે અને જેડીયુ તેમાં સામેલ થશે :નીતીશકુમારે સ્પષ્ટ કર્યું કે પાર્ટી ધારા-370,સમાન નાગરિક સંહિતા,અને અયોધ્યા વિવાદ પર પોતાની પાર્ટીની અલગ વિચારધારા છે access_time 1:36 am IST