Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

વડોદરાના વ્યાજમાફીયાઓની યાદી ઈન્કમટેક્ષને મોકલાતા ખળભળાટ

વ્યાજમાફીયાઓ ૨૦ ટકાથી માંડી ૧૦૦૦ ટકા ચામડીતોડ વ્યાજ વસુલે છેઃ ૩૩ ફરીયાદો નોંધાઈઃ વ્યાજખોરો વ્યાજ તો શું મુદ્દલ પણ જતુ સમાધાન કરવા દોડધામ કરે છે : વડોદરામાં વ્યાજખોરો સામેની પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતની ઝુંબેશમાં ચોંકાવનારી બાબતો પ્રકાશમાં આવી

રાજકોટ, તા. ૨૦ :. રાજકોટની માફક વડોદરામાં પણ વ્યાજમાફીયાઓ દ્વારા ગરીબ અને જરૂરીયાતમંદ લોકોની લાચારીનો લાભ ઉઠાવી તેમની પાસેથી ચામડાતોડ વ્યાજ લેવાતુ હોવાની વ્યાપક ફરીયાદથી ચોંકી ઉઠેલા વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે પોતાના રાજકોટના અનુભવ આધારે સમગ્ર પોલીસ તંત્રને કામે લગાડી વ્યાજખોરો સામે લોકજાગૃતિ માટે બેનરો તથા રીક્ષાઓ દ્વારા પ્રચાર કરી યોજેલ લોકદરબારમાં વ્યાજમાફીયાઓ દ્વારા ૨૦ ટકાથી લઈ ૧૦૦૦ ટકા સુધી વ્યાજ લેવાતુ હોવાનું અને આવા વ્યાજમાફીયાઓની ધાકધમકીઓને કારણે લોકોને જીવન ટુંકાવવા પડતા હોય આવા વ્યાજખોરો સામેની ફરીયાદો લોકદરબારમાં નોંધી ૩૩ જેટલા કેસોમાં સ્થળ પરથી જ પોલીસ ટીમો વ્યાજમાફીયાઓને પકડવા માટે મોકલતા ફફડાટ મચી ગયો હતો.

વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે રાજકોટમા પણ વ્યાજખોરોને આગવીઢબે પૂછપરછ કરી જેલોમાં ધકેલ્યા હોવાની વાત વડોદરાના વ્યાજખોરો જાણતા હોવાથી ફટોફટ ખાનગીમાં સમાધાન કરવા માંડયા હતા. ઘણાએ તો વ્યાજ સાથે મુદ્દલ જાતુ કરી કોઈપણ ભોગે સમાધાન કરી લેવાનો રસ્તો અપનાવ્યો હતો.

એક વ્યાજખોરે તો એક પરિવાર કે જેમણે પુત્રીના લગ્ન માટે દાગીના એ વ્યાજખોર પાસે ગીરવી મુકેલા અને દાગીના કોઈપણ સંજોગોમાં પરત નહોતા આપતા અને ઉંચુ વ્યાજ પ્રથમ ચુકવ્યા બાદ જ દાગીના આપવાની ધમકી આપેલ તેવા આ વ્યાજખોરે મુદ્દલની રકમ માંગી સમાધાન કરી લીધુ હતું.

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના ધ્યાને આ વાત આવતા તેઓએ જણાવેલ કે મૌખિક સમાધાન મંજુર નહી રહે. નોટરી કરેલા સ્ટેમ્પ પેપર પર એફીડેવીટ કરી સમાધાનની વિગતો પોલીસ સમક્ષ રજુ કરવી પડશે. તેઓએ જણાવેલ કે, તેઓની આ ઝુંબેશ બંધ થવાની નથી. વ્યાજખોરો કે જેઓ પાસે મોટી બેનંબરી માલમત્તા છે તેઓની વિગતો ઈન્કમટેક્ષને સુપ્રત થનાર છે. પોલીસની આ ઝુંબેશમાં જોઈન્ટ પોલીસ કમિશ્નર કેસરીસિંહ ભાટી, ડીસીપી સરોજકુમારી તથા એસીપી ભરત રાઠોડની આગેવાનીમાં સંબંધક પોલીસ મથકના ચુનંદા સ્ટાફ લોકદરબારમાં હાજર રહે છે. ખુદ પોલીસ કમિશ્નર લોકોને સાંભળે છે. આમ પોલીસની આ ઝુંબેશ લોકોમાં લોકપ્રિય બની રહી છે.

(3:57 pm IST)