Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

ભાવનગરમાં પ્રાચીન મંદિર તોડતા લોકોએ તંત્રને રોક્યું

એકત્રિત લોકોએ મંદિરમાં આરતી, ધૂન યોજી : ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા પણ લોકોની આસ્થા ન દુભાય તે પ્રકારે સમસ્યાનો ઉકેલ શોધવા પ્રયાસ

અમદાવાદ,તા. ૧૯ : ભાવનગરમાં વર્ષો જૂના રામદેવપીર મંદિરના ડિમોલિશનને લઇ આજે જોરદાર વિવાદ સર્જાયો હતો. સ્થાનિક તંત્રની ડિમોલિશન ટીમ મંદિર તોડવા ઘટનાસ્થળે પહોંચી ત્યારે સ્થાનિકોએ સેંકડોની સંખ્યામાં એકત્ર થઇ વર્ષો જૂના રામદેવપીર મંદિરને તોડવાનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને એટલું જ નહી, શ્રદ્ધાળુઓએ મંદિરમાં એ જ સમયે આરતી, ધૂન સહિતના કાર્યક્રમો શરૂ કરી દઇ ડિમોલિશનની કામગીરી અટકાવી દીધી હતી. જેને પગલે હવે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા પણ લોકોની ધાર્મિક આસ્થા દુભાય નહી તે પ્રકારે આ સમસ્યાનો હલ શોધી રહી છે. ભાવનગર શહેરમાં વર્ષો જુના રામદેવપીર ભગવાનનું મંદિર ગૌશાળાની સામે આવ્યું છે. ત્યારે તંત્ર દ્વારા રસ્તામાં ટ્રાફિકમાં અડચણરૂપ હોવાના કારણસર સ્થાનિક તંત્રની ટીમ આજે આ મંદિરનું ડિમોલિશન કરવા માટે બુલડોઝર લઇને પહોંચી હતી પરંતુ જેવું બુલડોઝર ત્યાં પહોંચ્યું કે, તરત જ સ્થાનિક લોકો સેંકડોની સંખ્યામાં ત્યાં એકત્ર થઇ ગયા હતા અને તંત્રની ડિમોલિશનની કામગીરીનો વિરોધ કર્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું કે, રામદેવપીર બાપાનું આ મંદિર વર્ષો જૂનું છે અને હજારો શ્રધ્ધાળુઓનું આસ્થાનું પ્રતિક છે. રોજ સેંકડો લોકો આ મંદિરે દર્શન અને પૂજા માટે આવે છે. મંદિરને લઇ કોઇ અડચણ કે અવરોધ લોકોને નડતો નહી હોઇ તેને તોડવાનો કોઇ પ્રશ્ન જ નથી આવતો. તંત્રના અધિકારીઓએ સ્થાનિકોને ડિમોલિશનની કામગીરીમાં સહકાર આપવા અનુરોધ કર્યો હતો પરંતુ રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ તંત્રને તેઓ કોઇપણ સંજોગોમાં હજારો લોકોની ધાર્મિક આસ્થાના કેન્દ્ર સમા આ વર્ષો જૂના મંદિરને તોડવા નહી દઇએ તેવી સ્પષ્ટ વાત કરી હતી. એટલું જ નહી, તંત્ર ડિમોલિશનની કામગીરી ના કરી શકે તે હેતુથી સેંકડો શ્રધ્ધાળુઓએ મંદિરમાં એ જ સમયે આરતી, પૂજા, અને રામદેવપીરની ધૂન શરૂ કર્યા હતા, જેને પગલે તંત્રના અધિકારીઓ લાચાર બન્યા હતા અને ત્યાંથી ડિમોલિશનની કામગીરી કર્યા વિના જ પરત ફર્યા હતા. હવે તંત્ર આ સમસ્યાનું નિરાકરણ સ્થાનિકોની ધાર્મિક આસ્થા દુભાય નહી તે રીતે લાવવામાં વિચારણા કરી રહ્યું છે.

(9:38 pm IST)