Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

રાજ્યમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ પડવા માટેની આગાહી

સૌરાષ્ટ્ર પંથકમાં છૂટાછવાયા વરસાદની શકયતા : ગાંધીનગરમાં પારો ૪૨થી પણ ઉપર રહ્યો : અમદાવાદ, સુરેન્દ્રનગર, કંડલા એરપોર્ટ ખાતે તીવ્ર ગરમીનો અનુભવે

.અમદાવાદ,તા.૧૯  : રાજયમાં છેલ્લા બે-ત્રણ દિવસથી હવામાનમાં નોંધાયેલા નોંધપાત્ર પલ્ટા અને વરસાદી માહોલ વચ્ચે આજે હવામાન ખાતાએ આગાહી કરી હતી કે, રાજયમાં હજુ ત્રણ દિવસ કેટલાક વિસ્તારોમાં ભારે વાવાઝોડા અને વરસાદી માહોલની શકયતા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ત્રણ દિવસ ૩૦થી ૪૦ કિમી ઝડપે ભારે પવન સાથે વાવાઝોડું ફુંકાશે. તો, સૌરાષ્ટ્ર પંથકના ઘણા ખરા વિસ્તારમાં હળવાથી ભારે ઝાપટા પડવાની આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. રાજસ્થાનમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હવાના દબાણમાં નોંધાયેલા ફેરફારના કારણે ગુજરાત રાજયના અમુક વિસ્તારોમાં હવામાનમાં છેલ્લા બે-ત્રણ દિવસથી નોંધપાત્ર પલ્ટો નોંધાયો છે. ખાસ કરીને રાજયના સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં ભારે ગાજવીજ અને ઠંડા પવનના વાવાઝોડા સાથે વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં પણ ગઇકાલે બપોર બાદ હવામાન પલટાયુ હતું અને ઠંડા પવન અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટા નોંધાયા હતા, જેમાં શહેરના મેમનગર, ગુરૂકુળ, નારણપુરા, સોલા, સાયન્સસીટી, બોપલ, ઘુમા, એસજી હાઇવે સહિતના વિસ્તારોમાં વરસાદના હળવા ઝાપટા નોંધાયા હતા. બીજીબાજુ, ગઇકાલે  સૌરાષ્ટ્ર પંથકના અમરેલી, સાવરકંુડલા સહિતના પંથકોમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ નોંધાયો હતો. તો, બનાસકાંઠાના ધાનેરા સહિતના પંથકોમાં અને આણંદના બોરસદ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હતો. છેલ્લા બે-ત્રણ દિવસથી રાજયના પલટાયેલા વાતાવરણના કારણે ગરમીમાં લોકોને રાહત મળી છે પરંતુ બીજીબાજુ, કમોસમી વરસાદને લઇ ખેડૂતઆલમ કેરી સહિતના પાકની નુકસાનીને લઇ ચિંતામાં ગરકાવ બન્યો છે. રાજયમાં બદલાયેલા હવામાન અને વાતાવરણ વચ્ચે હવામાન વિભાગ દ્વારા હજુ વધુ ત્રણ દિવસ સુધી રાજયમાં ભારે વાવાઝોડા અને વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ત્રણ દિવસ ૩૦થી ૪૦ કિમી ઝડપે ભારે પવન સાથે વાવાઝોડું ફુંકાવાની આગાહી કરાઇ છે તો, સૌરાષ્ટ્ર પંથકના ઘણા ખરા વિસ્તારમાં હળવાથી ભારે ઝાપટા પડવાની શકયતા વ્યકત કરાઇ છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારો અને પંથકોમાં છેલ્લા બે ત્રણ દિવસથી વાતાવરણ એકદમ વાદળછાયુ અને પ્રમાણમાં ઠંડકમય બની રહ્યું છે. આ વિસ્તારોમાં કયાંક કયાંક સર્જાયેલા વરસાદી માહોલ વચ્ચે સ્થાનિક ખેડૂતો પણ હવે હવામાન ખાતાની વધુ ત્રણ દિવસની આગાહીને લઇ ચિંતાતુર બન્યા છે.  અમદાવાદ સહિત રાજ્યભરમાં હળવા વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં પારો આજે ૪૧ સુધી પહોંચ્યો હતો જ્યારે ગાંધીનગરમાં મહત્તમ તાપમાન ૪૨ સુધી રહ્યું હતું. આ ઉપરાંત રાજ્યના અન્ય ભાગોમાં પણ કેટલીક જગ્યાઓએ ગરમી જોવા મળી હતી. સુરેન્દ્રનગરમાં ૪૧.૩ અને કંડલા એરપોર્ટ ખાતે પારો ૪૧ સુધી રહ્યો હતો.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ, તા. ૧૯ : રાજ્યના જુદા જુદા ભાગોમાં મહત્તમ તાપમાન ક્યાં કેટલું નોંધાયું તે નીચે મુજબ છે.

સ્થળ    મહત્તમ તાપમાન

અમદાવાદ      ૪૧

ડિસા    ૩૮.૪

ગાંધીનગર      ૪૨

વીવીનગર      ૩૯.૮

વડોદરા ૪૦.૪

સુરત   ૩૯

વલસાડ ૩૫.૯

અમરેલી         ૪૦.૪

ભાવનગર       ૩૯.૨

રાજકોટ ૪૦.૭

સુરેન્દ્રનગર      ૪૧.૩

ભુજ     ૩૮.૮

(8:56 am IST)