Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

મિત્ર બનાવીને હોટલમાં લઇ જઇ તોડ કરતી ટોળકી જબ્બે

તોડ કરનાર ગેંગમાં યુવતીની પણ સક્રિય ભૂમિકા : અમદાવાદના બે-ગાંધીનગરના બે મળી ચાર આરોપીની ધરપકડ કરાઇ : રૂપિયા ૭.૭૨ લાખનો મુદ્દામાલ કબજે

અમદાવાદ,તા. ૨૦ : ફેસબુક પર મિત્ર બનાવી યુવતી અને તેના મળતીયાઓ દ્વારા હોટલમાં લઇ જઇ બાદમાં પોલીસ તરીકે ઓળખ આપી લોકોનો તોડ કરતી એક ટોળકીને ગાંધીનગર એસઓજી પોલીસે ઝડપી લીધી છે. પોલીસે આ ગુનામાં શહેરના નરોડા વિસ્તારના બે અને ગાંધીનગરના બે મળી કુલ ચાર આરોપીઓને ઝડપી લીધા છે અને તેઓની પાસેથી રૂ.૭.૭૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ પ્રકરણમાં સંડોવાયેલ યુવતી સહિતના અન્ય આરોપીઓની પણ શોધખોળ જારી રાખી છે. ગાંધીનગર જિલ્લાની હદમાં ફેસબુક પર મિત્ર બનાવી યુવતી અને તેના મળતીયાઓ દ્વારા હોટલમાં લઇ જઇ બાદમાં પોલીસ તરીકે ઓળખ આપી લોકોનો તોડ કરતી એક ટોળકી અંગે મળેલી ફરિયાદો બાદ ગાંધીનગર એસપી વિરેન્દ્ર યાદવની સૂચનાના આધારે ગાંધીનગર એસઓજી પોલીસે સમગ્ર ઓપરેશન હાથ ધર્યું હતું અને સેકટર-૭ સહિતના વિસ્તારના સીસીટીવી ફુટેજ અને ચોકક્સ બાતમીના આધારે આ સમગ્ર ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સાગર ભરતભાઇ જાની(ડી-૩૦૩, સકલ રેસીડેન્સી, ન્યુ વાવોલ, ગાંધીનગર), બ્રીજેશ હરેશભાઇ પટેલ(રહે.કૃષ્ણનગર, ધનુષધારી સોસાયટી, નરોડા), અર્પણ ઉર્ફે સની જગદીશગારી ગોસ્વામી(રહે.ઇ-૧૧૯, વિભાગ-૧, પાર્શ્વનાથ ટાઉનશીપ, નવા નરોડા) અને રવિરાજસિંહ નરેન્દ્રસિંહ ઝાલા(રહે. પ્લોટ નંબર-૩૭૫-૨, સેકટર-૪બી, ગાંધીનગર)ને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી બલેનો કાર, ચલણી નોટો, મોબાઇલ ફોન, એટીએમ કાર્ડ, આધારકાર્ડ સહિત કુલ રૂ.૭.૭૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની પૂછપરછમાં આરોપીઓની મોડેસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો હતો કે, ફેસબુક પર મિત્ર બનાવી યુવતી તેમની જાળમાં ફસાનાર યુવક કે વ્યકિતને હોટલમાં લઇ જતી હતી અને ત્યાં પોલીસના સ્વાંગમાં તેમની જ ટોળકીના માણસો આવી તેમને ધમકાવી મોટો તોડ કરતાં હતા. છેલ્લા ઘણા સમયથી આ ટોળકીનો ત્રાસ વધતાં પોલીસ સુધી ફરિયાદ પહોંચી હતી, જેને પગલે પોલીસે આખરે ટોળકીના ચાર આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે આ ગુનામાં સંડોવાયેલી યુવતી સહિતના અન્ય લોકોની પણ શોધખોળ જારી રાખી છે.

(9:34 pm IST)