Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

નરોડા : મહિલા પાસેથી ૫૦ હજાર ઉઠાવીને ટોળકી ફરાર

મુસાફરોના સ્વાંગમાં લૂંટ કરતી ટોળકી સક્રિય : એસપી રીંગરોડ દાસ્તાન સર્કલ પાસે રિક્ષામાં મુસાફરોના સ્વાંગમાં બેઠેલા ત્રણ પુરૂષોએ ૫૦ હજારની મતા તફડાવી

અમદાવાદ,તા. ૨૦ : શહેરના વિવિધ વિસ્તારોમાં શટલ રીક્ષા અને ઓટોરીક્ષામાં મુસાફરોના સ્વાંગમાં બેસી નિર્દોષ નાગરિકો ખાસ કરીને એકલદોકલ મહિલાઓ અને વૃધ્ધોને લૂંટતી ટોળકી સક્રિય છે અને અવારનવાર નાગરિકો આવી ટોળકીઓનો શિકાર બનતા હોય છે તેમછતાં શહેર પોલીસ દ્વારા આવી ટોળકી વિરૂધ્ધ હજુ સુધી કોઇ નકકર કાર્યવાહી થઇ શકી નથી, જેના કારણે શહેરીજનો આવી ટોળકીઓનો શિકાર બનતા રહે છે. આવા જ વધુ એક કિસ્સામાં નરોડા વિસ્તારમાં એસપી રીંગરોડથી દાસ્તાન સર્કલ નજીક શટલ રીક્ષામાં બેઠેલી એક મહિલાના પર્સમાંથી અગાઉથી રીક્ષામાં મુસાફરોના સ્વાંગમાં બેઠેલા ત્રણ પુરૂષો દ્વારા રૂ.૫૦ હજારની મતાની ચોરી કરાતાં નરોડા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવા પામી છે. પોલીસે મહિલાની ફરિયાદના આધારે સમગ્ર પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે, શહેરના ઓઢવ વિસ્તારમાં તક્ષશિલા સ્કૂલ પાસે મહેશ્વરી સોસાયટી વિભાગ-૧ ખાતે રહેતા ૪૪ વર્ષીય ધૂળીબહેન બહાભાઇ બામણીયા ગઇકાલે સવારે શહેરના નરોડા વિસ્તારમાં એચ.પી.પેટ્રોલપંપ સામે, એસપી રીંગરોડ દાસ્તાન સર્કલ નજીકથી શટલ રીક્ષામાં બેસી પસાર થઇ રહ્યા હતા ત્યારે રીક્ષામાં અગાઉથી મુસાફરોના સ્વાંગમાં બેઠેલા ત્રણ પુરૂષોએ રીક્ષાચાલકની મદદથી વાતવાતમાં ધૂળીબહેનની નજર ચૂકવી તેમના પર્સમાંથી સોના ચાંદીના દાગીના સહિત આશરે રૂ.૫૦ હજારની મત્તા બહુ સિફતતાપૂર્વક સેરવી લીધી હતી. રિક્ષામાંથી ઉતર્યા બાદ ધૂળીબહેનને ખ્યાલ આવ્યો હતો કે, પર્સમાંથી કિમતી મત્તા ગુમ છે, તેથી તેમને સમગ્ર ઘટનાનો અંદાજ આવી ગયો હતો. જેથી તેમણે આ બનાવ અંગે નરોડા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે, શહેરના વિવિધ વિસ્તારોમાં બનતા આ પ્રકારના બનાવો અને દિન પ્રતિદિન વધી રહેલી આવી ઘટનાઓને ગંભીરતાથી લઇ નાગરિકો અને ખાસ કરીને મહિલાઓ-વૃધ્ધોએ ચેતવાની જરૂર છે. શટલ રીક્ષા કે ઓટોરીક્ષામાં જયારે પહેલેથી મુસાફરો બેઠેલા હોય તેવા સમયે પોતાના પર્સ સહિતના મુદ્દામાલની ખાસ કાળજી લેવી અને સતત તેની પર ધ્યાન રાખવુ એ સૌથી સારી સાવધાની છે. બીજીબાજુ, શહેર પોલીસ દ્વારા શટલ રીક્ષામાં મુસાફરોના સ્વાંગમાં ટોળકીના વધતા જતાં ત્રાસ છતાં કોઇ આકરી કાર્યવાહી નહી થતાં નાગરિકોમાં પણ ઉગ્ર રોષની લાગણી ફેલાવા પામી છે, સાથે સાથે પોલીસતંત્રની ભૂમિકા સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે.

(9:33 pm IST)