Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

હાર્દિક પટેલ હવે પાટીદાર ન્‍યાય મહાપંચાયતના ઓથે પાટીદાર સમાજના અનામતની માંગ દોહરાવવા આગળ વધી રહ્યો છે

અમદાવાદ:  ગુજરાતમાં હાદિર્પક પટેલે પાટીદાર આંદોલનને પુનઃ ધમધમાવાના પ્રયાસ શરૂ કરી દીધા છે. જેમાં હાર્દિક પટેલના નેતૃત્વમાં આગામી દિવસોમાં અનામતના મુદ્દે વિશાળ પાટીદાર ન્યાય મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે. જેમાં હાર્દિક પટેલ દ્વારા હાકલ કરવામાં આવી છે સૌ આંદોલનકારીઓ તૈયાર થઇ જાવ અને આંદોલન કેમ બંધ થઇ ગયું એવું કહેવાવાળા મહાપંચાયતમાં હાજર રહે.

વિશાળ પાટીદાર ન્યાય મહાપંચાયત ૨૬ મે ના રોજ ધાંગધ્રાના મોટી માલવણ ખાતે સાંજે ૭ વાગે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાટીદાર અનામત આંદોલનના મુખ્ય મુદ્દાઓ પાટીદારોને અનામત આપવી અને પાટીદારો પર કરવામાં આવેલા રાજદ્રોહના ખોટાકેસ પરત લેવાની માંગને બુલંદ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના નેતા Hardik Patel એ તેમના વિરોધીઓને આપ્યો સણસણાતો જવાબ આપ્યો છે. હાર્દિક પટેલે જણાવ્યું છે કે જે લોકો મને ખોટો કહે છે તે ભાજપમાં કેમ જોડાય છે. તેમજ હાર્દિકનો વિરોધ કરનારાઓ સમજવાની જરૂર છે કે અનામત આંદોલન શરૂ કર્યા બાદ જ ૧૦૦૦ કરોડની યુવા સ્વાવલંબન યોજના અને બિન અનામત આયોગની રચના ભાજપે કરી છે. તેમજ સરકારી નોકરીમાં પાંચ વર્ષની વયમર્યાદા પણ આંદોલનના લીધે જ વધી છે.

પૂર્વે ભાજપ પર આક્રમક પ્રહાર કરતા પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે આંદોલન વખતે પાટીદારો પર થયેલા પોલીસ દમનની તપાસ માટે રચાયેલા પૂંજ તપાસ પંચ અંગે પોતાના પ્રતિક્રિયા આપતાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જે પંચની રચના કરવામાં આવી છે તે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીને અનુલક્ષીને છે. નારાજ પાટીદારોને મનાવવા માટેની એક લોલીપોપ છે, બીજુ કંઇ નહી. પાટીદાર અનામત આંદોલન દરમ્યાન પોલીસ દમનમાં મુખ્ય સૂત્રધાર તો અમીત શાહ જ છે. જે વખતે ધમાલ થઈ હતી તેમાંના કેટલાક અધિકારીઓનું પ્રમોશન થયું છે તો, કેટલાક દિલ્હી બેઠા છે.

પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ રાજદ્રોહ કેસમાં કોર્ટમાં ચાર્જફ્રેમની શરૂઆત થઈ હોવાથી હાજર રહ્યો હતો. પંચોને બોલાવાયા હતાં પરંતુ પંચો હાજર રહી શકયા ન હતા. તેથી હાર્દિકે કહ્યું હતું કે, કેસમાં જાણી જોઈને ખોટી ઉતાવળ કરવામાં આવી રહી છે. કેસની સાથે તેઓ પણ આંદોલનને તેજ કરી રહ્યાં છે. સુરતમાં ત્રણેક દિવસના રોકાણ દરમિયાન વિવિધ મીટીંગોમાં તેઓ હાજર રહીને ફરીથી ભાજપ વિરુધ્ધ રણનીતિ ઘડતાં હોવાનો તેણે ઘટસ્ફોટ કર્યો હતો.

(12:12 pm IST)