Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

લ્‍યો કરો વાત ક્રિકેટ પર સટ્ટા રમાડવા પગારદાર માણસો રાખ્‍યા : અમદાવાદના હાટકેશ્‍વર વિસ્‍તારમાંથી પોલીસે બેને દબોચી લીધા

અમદાવાદ: હાટકેશ્વર વિસ્તારમાં આવેલી સોસાયટીમાં મકાન ભાડે રાખી તેમજ માસિક ર૦ હજારના પગાર પર બે માણસો રાખી આઇપીએલ પર સટ્ટો રમાડતા ચાર શખસની અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. પોલીસે નવ મોબાઇલ, ટીવી અને હિસાબના ચોપડા કબજે કરી બોબડી કાર્ડ આપનાર શખસ અને સોદા ખાના વ્યક્તિ સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ આઇ. અે. ધાસુરાની સ્કવોડના હેડ કોન્સ્ટેબલ જગદીશભાઇને બાતમી મળી હતી કે હાટકેશ્વર મહાદેવ પાસે આવેલ જય સૂરજબા નામની સોસાયટીના ૧૧ નંબરના મકાનમાં કેટલાક ઇસમો આઇપીએલની દિલ્હી તેમજ ચેન્નઇ વચ્ચેની મેચ પર સટ્ટો રમાડી રહ્યા છે, જેના આધારે પોલીસ ટીમે મકાન પર દરોડો પાડી દર્શન પ્રજાપતિ (ઉ.વ.૩ર, રહે.

ડુંગરજીની ચાલી), જતીન પ્રજાપતિ (રહે. ખોખરા હા. બોર્ડ), દિનેશ પવાર (રહે. માનસરોવર ફલેટ, મ‌િણનગર) અને હિતેન્દ્ર શર્મા (રહે. જય સૂરજબા સોસાયટી)ને ઝડપી લીધા હતા.

પોલીસે આરોપી દર્શનની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે પોતે આ સટ્ટાનું રેકેટ ચલાવે છે, જયંતી અને દિનેશને રૂ.ર૦ હજારના માસિક પગાર પર નોકરીએ રાખ્યા હતા. સટ્ટો રમાડવા માટે પોતાના મિત્ર હિતેન્દ્ર શર્માના મકાનનો ઉપરનો માળ રૂ.૧પ હજારના માસિક ભાડે રાખ્યો હતો. કૃણાલ નામની વ્યક્તિ પાસેથી તેણે બોબડી કાર્ડ ખરીદ્યું હતું અને ઓઢવની અનિલ નામની વ્યક્તિ પાસે સોદા કપાવતો હતો. ક્રાઇમ બ્રાંચે બોબડી કાર્ડ આપનાર અને સોદા લેનારની શોધખોળ હાથ ધરી છે.

(12:11 pm IST)