Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

પ્રજાના પ્રશ્નો ઝડપી અને સરળતાથી ઉકેલવા માટે ભરૂચ જિલ્લા કલેકટર રવિકુમાર અરોરાની તાકીદ

ભરૂચઃ ભરૂચ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આજે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાયી હતી. જેમાં પ્રજાના પ્રશ્નોના ઉકેલ બાબતે ઉદાસીનતા, નિષ્કાળજી દાખવનારા અધિકારીઓને તંત્ર ધ્વારા ચલાવી લેવાશે નહીં તેમ કલેક્ટરે સ્પષ્ટપણે જણાવ્યું હતું.

આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. જેમાં અધ્યક્ષસ્થાનેથી કલેક્ટર રવિકુમાર અરોરાએ ધારાસભ્યો દ્વારા રજૂ થયેલા તમામ પ્રશ્નોની સમીક્ષા કરી સમયમર્યાદામાં નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને સુચનાઓ આપવામાં આવી હતી. તેમણે પ્રજાના પ્રતિનિધિઓ ધ્વારા કરાતી રજૂઆતોના કાયમી, ઝડપી અને સરળ ઉકેલ દ્વારા પ્રજાજનોને લોકાભિમુખ વહીવટની પ્રતીતિ થાય તે દિશામાં પ્રયાસો વધુ ઘનીષ્ઠ બનાવવા ખાસ ભાર મુક્યો હતો. ધારાસભ્યોએ રજૂ કરેલા મુખ્ય પ્રશ્નોમાં કાંસની સફાઇ, ઔદ્યોગિક લેન્ડલુઝર્સોને રોજગારીનો પ્રશ્ન અને ઉદ્યોગોમાં મૃત્યુ થયે પણ હજુ સુધી નાણાં મળતા નથી તે બાબતના પ્રશ્નોને ઝડપથી નિકાલ લાવવા અને તેની જાણ સબંધિત ધારાસભ્યોને પણ કરવા સબંધિત અધિકારીઓને સુચના આપવામાં આવી હતી. આ બેઠકમાં વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા પોલીસ વડા સંદીપસીંગ, પ્રાયોજના વહીવટદાર અસારી, પ્રાંત અધિકારીઓ સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(6:28 pm IST)