Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

આણંદ, વલ્લભ વિદ્યાનગર અને કરમસદની ૧૦૦ જેટલી શૈક્ષણિક સંસ્‍થાઓમાં ભણતા વિદ્યાર્થીઓ પૈસા માટે સેક્સ ઓફર કરી રહ્યા હોવાનો ખુલાસો

આણંદઃ આણંદ પોલીસ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં વિદ્યાર્થીઓ પૈસા માટે સેક્સ ઓફર કરી રહ્યા હોવાનું ખુલ્યું છે.

આણંદ, વલ્લભ વિદ્યાનગર અને કરમસદની 100 જેટલી શૈક્ષણિક સંસ્થાઓમાં ભણતા વિદ્યાર્થીઓ પૈસા માટે સેક્સ ઑફર કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. માત્ર વૈશ્યાવૃત્તિ જ નહીં પણ વિદ્યાર્થીઓ ડ્રગ્સ અને દારૂનું સેવન કરતા હોવાનો પણ ખુલાસો થયો છે.

આણંદના એસપી મકરંદ ચૌહાણે કહ્યું કે બે મહિના પહેલાં સર્વે કરવામાં આવ્યો હતો. કેટલાક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ પ્રોસ્ટીટ્યૂશનની પ્રેક્ટિસ કરતા હોવાનો ખુલાસો થયો.તેમણે કહ્યું કે તેમની પાસે કોઈ ચોક્કસ આંકડો નથી. સર્વેમાં 50 ટકા જેટલા વિદ્યાર્થીઓ દારૂ, ડ્રગ્સ અને સ્મોકિંગની લત ધરાવતા હોવાનો પણ ખુલાસો થયો. ઉલ્લેખનીય છે કે અહીં અંદાજીત 65000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

શ્રી મકરંદ ચૌહાણે કહ્યું કે ટી સ્ટોલના માલિકો દ્વારા ડ્રગ્સ અને દારૂની સપ્લાય કરતી હોવાની માહિતી પણ મળી છે. જો કે આ મામલે હજુ સુધી રેડ પાડવામાં નથી આવી. તેમણે જણાવ્યું કે 11 જૂનથી નવું એકેડમિક યર શરુ થવા જઈ રહ્યું છે ત્યારે અમે બીજો એક સર્વે હાથ ધરીશું.

પોલીસે કહ્યું કે એજ્યુકેશનલ ઝોનમાં વાંધાજનક એક્ટિવિટીના ઈનપુટ મળ્યા હોવાથી સર્વે હાથ ધરવામા આવ્યો હતો. ચૌહાણે કહ્યું કે વિદ્યાર્થીઓની મુવમેન્ટ્સ જાણવા માટે ગોપનિય રીતે અમે કેટલીક હોસ્ટેલના ગૃહપતિ મળ્યા હતા. તેઓ આ અંગે માહિતગાર હોવાથી સારી એવી મદદ પૂરી પાડી. ટી સ્ટોલના માલિકો પાસેથી પણ માહિતી ભેગી કરવામા આવી અને આ સર્વેમાં કેટલાક વિદ્યાર્થીઓએ પણ મદદ કરી હતી.

પોલીસ અધિકારીઓ મુજબ 18-21 વર્ષના એજ ગ્રુપના વિદ્યાર્થીઓનો સર્વે કરવામા આવ્યો હતો. વધુમાં જણાવ્યું કે 25 વર્ષની ઉંમરના કેટલાક વિદ્યાર્થીઓ પણ આવી એક્ટિવિટીમાં સામેલ હતા. આગળ જણાવ્યું કે, “નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે ત્યારે આવી એક્ટિવિટીમાં કેટલા વિદ્યાર્થીઓ સંડોવાયેલા છે તે અંગેના આંકડાઓ જાણવા માટે ફરી સર્વે કરીશું અને આ વખતે રે પણ પાડીશું. ઉપરાંત ડિ-એડિક્શન અને કાઊન્સલિંગ સેન્ટર પણ ઊભાં કરીશું.

(6:24 pm IST)