Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

વ્યથા નહીં વ્યવસ્થા' : રાજ્ય સરકારની અગ્રતા:બહુમૂલ્ય ઓક્સિજનના વપરાશમાં સંવેદનશીલતાપૂર્વક કાળજી લેવા હોસ્પિટલોને અનુરોધ : ડૉ. જયંતી રવિ અને જયપ્રકાશ શિવહરેએ રાત્રે અમદાવાદમાં કૉવિડ હોસ્પિટલમાં વોર્ડમાં જઈને દર્દીઓ-ડૉક્ટરોને પ્રોત્સાહિત કર્યા

રાજકોટ તા ૨૦'વ્યથા નહીં, વ્યવસ્થા'  એ રાજ્ય સરકારની અગ્રતા છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આવા ફોકસ સાથે ગુજરાતમાં આરોગ્ય સુવિધાઓમાં નોંધપાત્ર વધારો કરવા રાત-દિવસ એક કરી રહ્યા છે.  તેમણે ઓક્સિજનનું ઉત્પાદન વધારવાની સૂચનાઓ આપી છે. જે ઓક્સિજન ઉપલબ્ધ છે તે વધુને વધુ આરોગ્ય સેવાઓ માટે જ વપરાય તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, હોસ્પિટલોમાં પણ જે ઓક્સિજન પહોંચે છે તેનો યોગ્ય ઉપયોગ થાય છે કે નહીં તે સુનિશ્ચિત કરવાની તેમણે તાકીદ કરી છે. હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને રાત-દિવસ જોયા વિના કામ કરી રહેલા ડોક્ટરો, મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ વગેરેની પરિસ્થિતિનું આકલન કરવાની મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સૂચનાઓ આપી છે.

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રીમતી ડૉ. જયંતી રવિ અને આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરેએ સોમવારે મોડી રાત્રે અમદાવાદ મેડિસિટીમાં કૉવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. વોર્ડમાં જઈને આ બંને અધિકારીઓ કોરોનાના દર્દીઓને વ્યક્તિગત મળ્યા હતા અને તેમને મળી રહેલી સારવાર અંગે પૂછપરછ કરી હતી.

દહેગામ તાલુકાના નાંદોલના દર્દી શ્રી હરેશભાઇ પટેલે કહ્યું હતું કે, " મારું ઓક્સિજન લેવલ 55થી 60 થઈ ગયું હતું. પહેલાં દહેગામની અને પછી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી. છેલ્લે હું અહીં સરકારી હોસ્પિટલમાં આવ્યો. હું જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઇ રહ્યો હતો. અહીં ડૉક્ટરોએ મારી સારી કેર લીધી. મને સતત હિંમત આપતા રહ્યા. સરકારી હોસ્પિટલમાં ડૉક્ટરો, નર્સો પોતાનો પરિવાર છોડીને રાતદિવસ ભૂલીને દર્દીઓની સેવામાં લાગ્યા છે. ડૉક્ટરો-નર્સોએ ઘણા દર્દીઓ-પરિવારોને બચાવી લીધા છે, આ માટે ગુજરાતની સંવેદનશીલ સરકારનો હું આભાર માનું તેટલો ઓછો છે..,"

એનેસ્થેસિયામાં સેકન્ડ ઈયરમાં રેસિડન્ટ તરીકે કોરોના વૉર્ડમાં ફરજ બજાવતાં ડૉ. શિવાંગી લખતરિયાએ કહ્યું હતું કે, " આરોગ્ય અગ્ર સચિવ શ્રીમતી ડૉ. જયંતી રવિ અને કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરેએ અડધી રાત્રે હોસ્પિટલનો રાઉન્ડ લઈને દર્દીઓને અને ડોક્ટરોને પ્રોત્સાહન આપ્યું છે. દર્દીઓને સારવારથી જલ્દીથી સાજા થઇ જશે એવું આશ્વાસન આપ્યું છે. તેમણે દર્દીઓ માટે જેટલું સારું થાય તે બધું જ કરવાનો અનુરોધ કર્યો છે.."

આરોગ્ય અગ્ર સચિવ શ્રીમતી ડૉ. જયંતી રવિએ કોરોના વૉર્ડની મુલાકાત પછી, ડોક્ટરો-પેરામેડિકલ સ્ટાફ વગેરેને મળ્યા પછી કહ્યું હતું કે, છેલ્લા એક વર્ષ કરતાં વધારે સમયથી મેડિકલ-પેરામેડિકલ કર્મીઓ રાત-દિવસ જોયા વિના અદ્ભુત કામ કરી રહ્યા છે. આવા સમયે ગુજરાતની હોસ્પિટલોમાં કામ કરતા આરોગ્ય કર્મીઓનું મનોબળ અને જુસ્સો જળવાઈ રહે એ જરૂરી છે. હોસ્પિટલોમાં પથારીઓ, ઓક્સિજન અને વેન્ટિલેટર જેવી વ્યવસ્થાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે. આ માટે રાજ્ય સરકાર અને સમાજ સાથે મળીને સહિયારા પ્રયત્નોથી આગળ વધી રહ્યા છીએ. દર્દીઓમાં ઓક્સિજન લેવલ વધારી શકાય તે અંગેની માર્ગદર્શિકાઓ વિશે તેમણે તબીબો સાથે પરામર્શ કર્યો હતો. વર્તમાન સમયમાં ઓક્સિજન બહુમૂલ્ય પ્રાણવાયુ છે, એ વેડફાય નહીં તે માટે તેમણે આરોગ્યકર્મીઓને સંવેદનશીલતાપૂર્વક ફરજ બજાવવા અનુરોધ કર્યો હતો. તેમણે ડૉક્ટર્સ,  નર્સ,  વર્ગ-૩ અને વર્ગ-૪ ના તમામ કર્મીઓની સેવાની પ્રશંસા કરીને સહુને પ્રોત્સાહન આપ્યું હતું.

(5:04 pm IST)