Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

ભત્રીજાએ પોતાના કાકા અને કાકીની હત્યા કરી

છોટાઉદેપુરમાં સંબંધોની હત્યા : ભત્રીજાએ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા

છોટાઉદેપુર,તા.૧૯ : હજુ તો છોટાઉદેપુરના પાડોશી પંચમહાલ જિલ્લામાં ભત્રીજાએ કાકા-કાકીની હત્યા કરી હોવાની ઘટનાના પડઘા શમ્યા નથી ત્યાં ફરી એક વાર ભીત્રીજાએ કાકા-કાકીને મોતને ઘાટ ઉતાર્યા હોવાની ઘટના સામે આવી છે. છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પાસે આવેલા દડી ગામે ડબલ મર્ડરની ઘટના થતા હાહાકાર મચી ગયો છે. અહીંયા સંબંધોની હત્યાની ઘટના સામે આવી છે અને પોલીસ દોડતી થઈ ગઈ છે. જ્યાં એક ભત્રીજાએ પોતાના જ કાકા-કાકીને તીક્ષ્ણ હથિયારોના ઊપકાછાપરી ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધા છે.

બનાવની વિગત એવી છે કે છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ મથકમાં ડબલ મર્ડરની એક ઘટના સામે આવી છે. આ કેસની વિગતો મુજબ દડી ગામે જમીનની જૂની અદાવતમાં રાઠવા પરિવારમાં ખૂની ખેલ ખેલાયો છે. જેમાં ભત્રીજો જ ખૂની બન્યો અને તેણે પોતાના કાકા-કાકીનું ખૂન કર્યુ છે. ગઈકાલે રાત્રે આ ભત્રીજાએ પોતાના કાકા-કાકીના ઘરે જઈ અને તેમના પર હુમલો કરી દીધો હતો. ખૂની ખેલ ખેલનારા ભત્રીજાઓને પોલીસે રાઉન્ડ કરી લીધા હોવાના અહેવાલ છે.

મોહન રાઠવા ઉં.વ ૫૦ અને તેમના પત્ની સ્મૃતિબેન રાઠવાનું તેમના જ ભત્રીજાઓએ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકી અને ખૂન કર્યુ છે. રંગપુર પોલીસ આ મામલે તપાસ ચલાવી રહી છે અને વઘુ સત્ય તો તપાસ બાદ પોલીસ જાહેર કરે તેવી શક્યતા છે પરંતુ હાલમાં પ્રાપ્ત વિગતો મુજબ આ ખૂની ખેલ જમીનની અદાવતમાં ખેલાયો છે. ગત ચોથી એપ્રિલના રોજ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં ભત્રીજાએ સામાન્ય બાબતે પોતાના કાકા કાકીને કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા.

સંભાલી ગામમાં બનેલી ઘટનામાં પોલીસે હત્યારા ભત્રીજાની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી હતી. કાકા કાકી ઘેર એકલા જ હતા દરમિયાન ભત્રીજાએ કાકાએ કામ કાજ કરવા અંગે આપેલા ઠપકા મુદ્દે આવેશમાં આવી આશ્રય આપનારા કાકા કાકીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જ્યાં રાત્રે એક જ ખાટલા પર ઉંઘી ગયેલા કાકા-કાકીને ભત્રીજાએ કુહાડીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યા હતા.

(9:19 pm IST)
  • છેલ્લા 24 કલાક દરમ્યાન દેશમાં 1,45,000 થી વધુ લોકોએ કોરોનાનો મહાત કર્યો : જ્યારે 2,71,000 થી વધુ નવા કેસ અને 1780 થી વધુ દુઃખદ મૃત્યુ નોંધાયા છે : રાત્રે 10.15 વાગ્યાની સ્થિતિએ હજુ 6 રાજ્યોના છેલ્લા 24 કલાકના નવા કેસ રિપોર્ટ કરવાના બાકી છે. access_time 10:59 pm IST

  • શાપર - વેરાવળ - મેટોડા - આજી જીઆઈડીસી રાજકોટ ઍન્જીનિયરીંગ ઍસોસીઍશનના તમામ ઔદ્યોગિક ઝોન બુધ-ગુરૂ બે દિવસ બંધ રહેશે : કોરોનાની મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ તા. ૨૧ અને ૨૨ (બુધ - ગુરૂ) માટે શાપર - વેરાવળ - મેટોડા - આજી જીઆઈડીસી રાજકોટ ઍન્જીનિયરીંગ ઍસોસીઍશનના ઔદ્યોગિક ઝોનના તમામ ઍકમો બંધ રહેશે તેમ શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ ઍસોસીઍશનના રમેશભાઈ ટીલાળા, રતિલાલ સાડરીયા અને કિશોરભાઇ પટેલે જણાવ્યુ છે access_time 1:04 pm IST

  • દિલ્હી: રાષ્ટ્રીય રાજધાનીમાં ગતરાત્રે 10 વાગ્યાથી 1 સપ્તાહના લોકડાઉનની ઘોષણા પછી રાત્રે આનંદ વિહાર બસ ટર્મિનલ અને રેલવે સ્ટેશન પર સ્થળાંતર કરી રહેલા પરપ્રાંતીય કામદારો, બીકના માર્યા પોતાના વતન જવા ઉમટી પડ્યા હતા access_time 10:00 am IST