Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

રાજ્યમાં આગામી પાંચ દિવસ હિટવેવની આગાહી :મતદાન ઓછું થવાની સંભાવના :ઉમેદવારોની ચિતામાં થયો વધારો

રાજસ્થાનના રણમાંથી આવતા સૂકા અને ગરમ પવનને કારણે રાજ્યના તાપમાનમાં વધારો થશે :દરિયાકિનારે ગરમ પવન ફુંકાશે

 

અમદાવાદ ;રાજ્યમાં આગામી પાંચ દિવસ હિટવેવની આગાહી થઇ છે લોકસભાની ચૂંટણી માટે તમામ પક્ષોના પ્રચારનું જોર કરી રહ્યાં છે ત્યારે ગરમીનો પારો પણ ઉંચકાઇ રહ્યો છે. આગામી 23મી એપ્રિલના દિવસે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોનું મતદાન થવા જઇ રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે દિવસે હિટવેવની આગાહી કરી છે. જેના પગલે મતદાન ઓછું થવાની સભાવના વ્યક્ત થતા ઉમેદવારોની ચિંતામાં વધારો થયો છે

  હવામાન વિભાગ મુજબ રાજ્યમાં ઉતર પશ્ચિમ તરફના પવનો ફુકાતાની સાથે ગરમી વધારો થશે. ગુજરાતના દરિયા કિનારે ગરમ પવન ફુકાશે.પોરબંદર,દિવ,વેરાવળમાં હિટવેવની સ્થિતિ રહેશે..રાજસ્થાનના રણ પરથી આવતા સુકા અને ગરમ પવનના કારણે રાજ્યના તાપમાનમાં પણ નોંધપાત્ર વધારો થશે. આગામી દિવસોમાં 2થી 3 ડિગ્રી તાપમાન વધશે. અને આગામી 5 દિવસ હિટવેવની સ્થિતિ રહેશે હવામાન વિભાગની આગાહીના કારણે ઉમેદવારોની ચિંતામા વધારો થયો છે.
    
અત્રે ઉલેખનીય છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણ રાજ્યના વાતાવરણમા પલટો આવ્યો હતો. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. જેના પગલે વાતાવરણમાં ઠંડા પવનો પ્રસર્યા હતા. આમ રાજ્યના મહત્તમ તાપમાનમાં નોંઘપાત્ર ઘટાડો થયો હતો. જેથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. પરંતુ પવનની દિશા બદલાતા ગરમીના પ્રમાણમા ફરી વધારો થશે

(12:06 am IST)