Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

સ્કુટર ખરીદવા BRTSમાં જનાર વ્યક્તિનું ખિસ્સુ કપાયું

ગઠિયાએ ખિસ્સામાંથી ૬૬૫૦૦ સેરવી લીધા : પતિએ સમગ્ર મામલમાં નિકોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી : પતિ-પત્નીનું એકટીવા ખરીદવાનું સપનું રોળાયુ

અમદાવાદ,તા. ૨૦ : બીઆરટીએસ બસ સર્વિસમાં તેના દરરોજના ૧.૫૦ લાખ ઉતારુઓ માટે ખાસ કરીને પિકઅવર્સ દરમિયાન પોતાના મોબાઈલ, પર્સ વગેરે કીમતી વસ્તુઓને સાચવવાનું પડકારજનક બનતું જાય છે, કેમ કે બીઆરટીએસ બસમાં ખિસ્સાકાતરુનો આતંક વધ્યો છે. ગઇકાલે એકટીવા ખરીદવા માટે રૂ.૬૬,૫૦૦ ખિસ્સામાં મૂકી પતિ-પત્ની બીઆરટીએસ બસમાં મુસાફરી કરી જઇ રહ્યા હતા ત્યારે કોઇ અજાણ્યા ખિસ્સાકાતરૂએ બહુ સિફતતાપૂર્વક પતિના ખિસ્સામાંથી રૂ.૬૬,૫૦૦ સેરવી લીધા હતા. પત્ની માટે એકટીવા ખરીદવા માટેના પૈસા અજાણ્યો ગઠિયો ચોરી જતાં પતિએ સમગ્ર મામલે નિકોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બીજીબાજુ, પતિ-પત્નીનું નવું એકટીવા ખરીદવાનું સપનું રોળાતાં તેઓ પણ ભારે નિરાશ થયા હતા. ખિસ્સાકાતરુની ગેંગ પિકઅવર્સમાં ભારે ભીડનો ફાયદો ઉઠાવીને બસની અંદર કે બસમાં ચઢતી કે ઊતરતી વખતે સિફતપૂર્વક ઉતારુઓનાં ખિસ્સાં કાપી આંતક મચાવી રહ્યા છે ત્યારે આવો જ એક કિસ્સો ગઇકાલે બાપુનગર વિસ્તારમાં બન્યો છે. ગઈકાલે સિવિલ એન્જિનિયર અને તેમનાં પત્ની નવું એક્ટિવા ખરીદવા માટે પૈસા લઈ શિવરંજની બીઆરટીએસ બસમાં બેસીને બાપુનગર જઈ રહ્યાં હતાં ત્યારે કોઈ વ્યક્તિ ભીડનો લાભ લઈ ખિસ્સામાંથી પૈસા કાઢી લીધા બાદ ફરાર થઇ ગઈ હતી. જોધપુર વિસ્તારમાં આવેલ આગમન રો-હાઉસમાં રહેતા અને સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હેમલ ઠક્કરે નિકોલ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ અજાણ્યા શખ્સ વિરુદ્ધમાં નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈકાલે હેમલભાઈ અને તેમનાં પત્ની નિધિબહેન તેમના ઘરેથી બાપુનગર ખાતે આવેલ કુમાર ઓટોમાંથી નવું એક્ટિવા ખરીદવાનું હતું તેથી ત્યાં જઇ રહ્યાં હતાં. તેઓ શિવરંજનીથી બાપુનગર જવા બીઆરટીએસમાં બેઠાં હતાં. આ દરમિયાન હેમલભાઈએ પોતાના ખિસ્સામાં એક્ટિવા લેવાનું હોવાથી રૂ.૬૬,પ૦૦ મૂક્યા હતા, જોકે બીઆરટીએસ બસમાં ભીડ પણ વધુ હતી. હેમલભાઈને બાપુનગર એપ્રોચ બીઆરટીએસ બસ સ્ટેશન ઊતરવાનું હતું, પરંતુ બસના દરવાજા પાસે ખૂબ ભીડ હતી. આ દરમિયાન તેમના ખિસ્સામાં રહેલા રૂ.૬૬,પ૦૦ની રકમ કોઈ અજાણી વ્યક્તિ તેમની નજર ચૂકવી ભીડનો લાઇ બસમાંથી ફરાર થઇ ગઈ હતી. હેમલભાઈ અને તેમનાં પત્ની બસમાંથી ઊતર્યાં અને ખિસ્સામાં ચેક કર્યું ત્યારે ચોરી થયાની જાણ થતાં તેમણે પોલીસને જાણ કરી હતી. નિકોલ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. નિકોલ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(9:53 pm IST)