Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

કાલનો સૂરજ ઢળતા પહેલા પ્રચાર પડઘમ શાંતઃ મંગળવારે મતના કિરણો મશીનમાં

રાજનીતિ કે રંગને નેતાઓ કો કયા કયા શિખા દીયા, બડે બડે નેતાઓ કો જનતા કે કદમોમેં ઝુકા દીયાઃ જાહેર પ્રચારથી જનતાને આકર્ષવા છેલ્લી કલાકોની દોડધામઃ મંગળવારે સવારે ૭ થી સાંજના ૬ સુધી મતદાનઃ ૪ાા કરોડ મતદારોઃ રાજકોટ લોકસભા બેઠકમાં ૧૮.૮૪ લાખ મતદારો, ૨૦૫૦ મતદાન મથકોઃ ૨૫૦ માઈક્રો ઓબ્ઝર્વરઃ ચૂંટણી સ્ટાફને સોમવારે સવારે ફરજના સ્થળે રવાના કરાશે

રાજકોટ, તા. ૨૦ :. લોકસભાની ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાન આડે હવે માત્ર બે દિવસ રહ્યા છે. છેલ્લા એક મહિનાથી ચાલી રહેલો જાહેર પ્રચાર આવતીકાલે પૂર્ણ થશે. ચૂંટણી પંચના નિયમ મુજબ કાલે રવિવારે સાંજે ૫ વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થશે. મંગળવારે સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન થશે. તા. ૨૩ મે એ મત ગણતરી છે. મતદાન પૂર્વે રાજકીય પક્ષો અને ઉમેદવારોએ છેલ્લી કલાકોના પ્રચાર માટે દોડધામ વધારી છે. ચૂંટણી પંચ ચૂંટણી પ્રક્રિયા પુરી કરાવવા સજ્જ છે.

ત્રીજા તબક્કામાં ૨૩ એપ્રિલે ગુજરાતની ૨૬ બેઠકો માટે મતદાન છે. સાડા ચાર કરોડ જેટલા લોકો મતાધિકાર ધરાવે છે. ૫૧ હજાર જેટલા મતદાન મથકો છે. ૩ લાખ જેટલા કર્મચારીઓ ચૂંટણી ફરજ પર રહેશે. રાજકોટ લોકસભા મત વિસ્તારમાં ૧૮.૮૪ લાખ મતદારો અને ૨૦૫૦ મતદાન મથકો છે. ૨૫૦ માઈક્રો ઓબ્ઝર્વર નિયુકત કરવામાં આવ્યા છે. અગાઉ કર્મચારીઓને વિધાનસભા વિસ્તારની ફાળવણી કરી દેવામાં આવી છે. સોમવારે સવારે મતદાન મથક માટેનું આખરી રેન્ડમાઈઝેશન કરી સ્ટાફને ઈવીએમ અને વીવીપેટ સાથે ફરજના સ્થળે રવાના કરવામાં આવશે. મંગળવારે મતદાન શરૂ થતા પૂર્વે ૬ થી ૭ એક કલાક મોકપોલ યોજવામાં આવશે.

લોકસભાની ચૂંટણીએ ભારે ઉત્કંઠા જગાવી છે. રાજકીય પક્ષોનો સઘન પ્રચાર છતા મતદારોએ મન કળાવા દીધુ નથી. કોઈ એક મુદ્દાના બદલે ચૂંટણી પ્રચાર મોટા ભાગે આક્ષેપો અને પ્રતિઆક્ષેપો પર ચાલ્યો છે. ગુજરાતમાં મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા છે. બન્ને પક્ષોના પ્રાદેશિક અને રાષ્ટ્રીય નેતાઓ ચૂંટણી પ્રવાસ કરી ગયા છે. હજુ આવતીકાલ સુધી રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ ચાલુ રહેશે. હોર્ડીંગ્સ, બેનર, સ્ટીકર, ઝંડા, ઈલેકટ્રોનીક અને પ્રિન્ટ મીડીયામાં જાહેરાત, સભા, રેલી, સંમેલનો, જુથ બેઠકો વગેરે દ્વારા પ્રચાર કરવામાં આવ્યો છે. આવતીકાલે સાંજે જાહેર પ્રચાર બંધ થયા બાદ ઉમેદવારો શાંત પ્રચાર તરફ ધ્યાન કેન્દ્રીત કરશે. મંગળવારે ગુજરાતનો જનાદેશ મત મશીનમાં કેદ થશે. ગુજરાતની જનતાનો ફેંસલો અને સમસ્ત દેશનો મિજાજ શું છે ? તે જાણવા માટે ૨૩ મે સુધીની રાહ જોવી પડશે.

(12:01 pm IST)