Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

નરોડા પાટિયા કેસમાં હાઈકોર્ટે પીડિતો માટે વળતરની માંગણીની અરજી ફગાવી

 

અમદાવાદ :નરોડા પાટિયા કેસનો આજે ચુકાદો આવ્યો છે ચુકાદા સાથે હાઈકોર્ટે પીડિતો માટે વળતરણની માંગણીની અરજી ફગાવી દીધી છે.હાઇકોર્ટે ત્રણ હજાર પાનાના ચુકાદામાં 32માંથી 17 આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા હતા.જ્યારે 12 દોષિતોની સજા યથાવત રાખી હતી. જ્યારે 2 આરોપીઓને સજા સંભળાવવાની હજી બાકી છે. કેસમાં 32માંથી એક આરોપીનું મોત થઈ ચુક્યું છે. કેસમાં બાબુ બજરંગીની સજામાં હાઇકોર્ટે આંશિક ઘટાડો કર્યો છે. તેમની સજા ઘટાડીને 21 વર્ષ કરવામાં આવી છે. હાઇકોર્ટે ત્રણ લોકો વિરુદ્ધ ગુનિહિત ષડયંત્રનો ગુનો નોંધ્યો છે.

  ત્રણ લોકોમાં બાબુ બજરંગી, પ્રકાશ રાઠોડ અને સુરેશ લંગડાનો સમાવેશ થાય છે. કોર્ટે તહેલકાના આશિષ ખેતાનની જુબાનીને આધારે ગુનો નોંધ્યો છે. ઘટનાસ્થળે હાજર પાંચ પોલીસકર્મીની જુબાની લેવામાં આવી હતી. પાંચેય પોલીસકર્મીઓએ બાબુ બજરંગી, પ્રકાશ રાઠોડ અને સુરેશ લંગડાને ઘટનાસ્થળે જોયા હતા.

  નરોડા પાટિયા કેસમાં નીચલી કોર્ટે કુલ 29 લોકોને નિર્દોષ છોડી મૂક્યા હતા. હાઇકોર્ટે નિર્દોષ છોડી મૂકેલા 29 લોકોમાંથી ત્રણને દોષિત જાહેર કર્યા છે. ત્રણેય લોકોને હવે 9મી મેના રોજ સજા સંભળાવવામાં આવશે. દોષિત જાહેર કરવામાં આવનાર લોકોમાં રાજકુમાર ચોમલ, પ્રકાશ રાજપૂતનો સમાવેશ થાય છે.

  વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ નરોડા પાટિયાકાંડના ચુકાદા બાદ જણાવ્યું હતું કે, 'ભાજપની સરકારે ન્યાયપાલિકાને પ્રભાવિત કરી છે. સત્તાના જોરે સાક્ષીઓ અને ન્યાયતંત્ર પર દબાણ ઉભું કરવામાં આવ્યું છે. માયાબેનને લાભ કરાવવા માટે પ્રયાસો કરાયા હતા.'

    કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ અંગે જણાવ્યું હતું કે, 'સરકાર દ્વારા તથ્યો છૂપાવીને કોર્ટમાં માહિતી રજૂ કરવામાં આવી છે. સરકાર પીડિતોનો ન્યાય અપાવવામાં સદંતર નિષ્ફળ નિવડી છે. અત્યાચાર થાય ત્યારે સરકાર ન્યાય અપાવે તેવી અમારી લાગણી છે.'

(1:18 am IST)