Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

હવે લોભામણી સ્કીમોની લાલચ આપી છેતરનારા સામે કાર્યવાહી

લોભામણી સ્કીમો દ્વારા ઠગાઈ કરનારની સામે તવાઈઃ ગાંધીનગર ખાતે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ૩૩મી સ્ટેટ લેવલની કો-ઓર્ડિનેશન કમિટિની મિટિંગમાં નિર્ણય

અમદાવાદ,તા.૨૦ : ગુજરાત પ્રોટેક્શન ઓફ ઈન્ટરેસ્ટ ઓફ ડિપોઝીટર્સ એક્ટ-૨૦૦૩ અન્વયે રચવામાં આવેલી ઓથોરિટીના ગઠન બાદ પોલીસે રાજ્યમાં ગણતરીના સમયમાંજ નાણાકીય છેતરપિંડી અને લોભામણી સ્કીમો દ્વારા છેતરપિંડી આચરનારા ઠગ લોકોની ૭૪ કરોડની સંપત્તિ જપ્ત કરી આ લોકો સામે ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લોભામણી સ્કીમોની લાલચ આપી છેતરનારાઓ સામે વધુ કડક કાર્યવાહી કરાશે તેમ મુખ્ય સચિવ ડૉ.જેએન સિંઘે જણાવ્યું હતું. ડૉ. સિંઘે કહ્યું હતું કે, લોકોને લોભામણી સ્કીમોની લાલચ આપી ઠગતા લોકો સામે ઓછા સમયમાં કાર્યવાહી કરીને તેમની સંપત્તિ જપ્ત-ટાંચમાં લેવાના કડક નિર્દેશ પોલીસ વિભાગને આપવામાં આવ્યા હતા, જેની સામે સંતોષકારક કામગીરી થઈ રહી છે. મોટા પ્રમાણમાં નાણાકીય છેતરપિંડી કરતા લોકો વિરુદ્ધ ઝડપી પગલાં ભરવામાં આવ્યા છે અને તેમની સંપત્તિ ટાંચમાં લઈ રકમ વસુલ કરવામાં આવી રહી છે. આ પ્રકારની ઘટના રાજ્યમાં પ્રથમ વાર બની છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. આ બેઠક દરમિયાન કમિટિ દ્વારા નાણાકીય છેતરપિંડીના કેસોમાં સંડોવાયેલી કેટલીક વ્યાપારિક સંસ્થા વિષે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં બ્લ્યુ પર્લ એન્ટરપ્રાઇઝ, રોમન ઈન્ડિયન ફાઈનાન્સિયલ સર્વિસીસ, કલ્પતરૂ કસ્ટમર મેનેજમેન્ટ સર્વિસીસ લિમિટેડ, ખોડલ-નિધિ એન્ટરપ્રાઈઝ, સ્કાયલાર્ક લેન્ડ ડેવલોપર્સ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ડિયા લિમિટેડ, હલધર રીયાલીટી એન્ડ એન્ટરપ્રાઈઝ  લિમિટેડ, વિશ્વામિત્ર ઈન્ડિયા ગ્રુપ ઓફ કંપનીઝ, ઓસ્કાર કો-ઓપરેટીવ સોસાયટી જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સ્ટેટ લેવલ કો-ઓડીનેશનલ કમિટી દ્વારા અલગ અલગ રાજ્યમાં ચાલતી ખેતેશ્વર અર્બન ક્રેડીટ સોસાયટી, ગાંધીનગરની પણ નોંધ લેવામાં આવી હતી જેના વિરુદ્ધ ગુજરાત ફેડરેશન ઓફ અર્બન કો-ઓપરેટીવ બેંક દ્વારા પબ્લિક નોટીસ જાહેર કરીને ઊંચા વ્યાજની લોભામણી જાહેરાતોથી દુર રહેવાની સલાહ આપવામાં આવી હતી. અન્ને ઉલ્લેખનીય છે કે, સ્ટેટ લેવલ કો-ઓર્ડીનેશનલ કમિટિ એક ઉચ્ચ સ્તરીય સમિતિ છે જે સામાન્ય લોકો સાથે થતી નાણાકીય છેતરપીડી અને લોભામણી સ્કીમો અંગે સમીક્ષા કરે છે, ત્યારબાદ અલગ અલગ એજન્સીઓ દ્વારા આ છેતરપીડી કરનાર સામે પગલાં ભરવામાં આવે છે.

(10:16 pm IST)