Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

ગાંધીનગર વિજીલન્સ ટીમ દ્વારા પેટલાદમાં જુગારધામ ઉપર દરોડોઃ ૧૩ શખ્‍સો ૧૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

અમદાવાદઃ પેટલાદ ટાઉનમાં બસ સ્ટેશન પાછળ છેલ્લા કેટલાક સમયથી જુગારનો અડ્ડો ધમધમતો હોવાની ગાંધીનગર વિજિલન્સ ટીમને બાતમી મળી હતી.

આ બાતમીના આધારે વિજિલન્સની ટીમે પેટલાદમાં બસ સ્ટેશન પાછળ ચાલતા રિયાઝ સફયુદ્દીન શેખના અડ્ડા પર છાપો મારતા પોલીસના ભયથી ભાગી છૂટવા જુગારીઓએ ભારે દોડધામ કરી મૂકી હતી. જોકે પોલીસે આ અડ્ડાની ચારેતરફ કોર્ડન કરી તેર જુગારીયાને ઝડપી લીધા હતા. જ્યારે સાતથી આઠ શખસ પોલીસને થાપ આપી નાસી છૂટ્યા હતા.

પોલીસે દરોડાના સ્થળેથી સાત મોબાઇલ ફોન, ચાર મોપેડ, એક કાર, એક બાઇક, રોકડ રકમ અને જુગારના સાધનો કબજે કરી આશરે રૂ.૧૦ લાખની કિંમતનો મુુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે નાસી છૂટેલા આ અડ્ડાના સંચાલક રિયાઝની સઘન શોધખોળ શરૂ કરી તેર શખસની અટકાયત કરી હતી.

વિજિલન્સ ટીમના આ દરોડાના પગલે પેટલાદના બસ સ્ટેશન પાછળ લોકોનાં ટોળેટોળાં એકત્ર થયા હતા અને રોડ પરનો ટ્રાફિક પણ જામ થઇ ગયો હતો. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(6:32 pm IST)