Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

પ્રેમમાં પાગલ બનેલ માતાએ પ્રેમી સાથે મળી દીકરીને મોતનેઘાટ ઉતારી દીધી: ઉમરેઠના ઝાલાબોરડીની ઘટના

ઉમરેઠ: તાલુકાના ઝાલાબોરડીમાં ૧પ વર્ષીય કિશોરીને તેની માતા અને માતાના પ્રેમીએ મોતને ઘાટ ઉતાર્યાની ઘટનાના આજે ૧પ દિવસ બાદ ભાલેજ પોલીસે મૃતક સગીરાની માતા અને તેના પ્રેમી વિરુદ્વ હત્યાની કલમ ઉમેરીને ગૂનો દાખલ કર્યો છે. છેલ્લા એક પખવાડિયાથી ચકચારી બનેલ કિશોરીની હત્યાના રહસ્ય પરથી આજે પડદો ઉંચકાયો હતો. ઉલ્લેખનીય છે કે સગીરાના મામાએ આ મામલે પોલીસ તપાસ સહિત સગીરાની માતા અને તેના કથિત પ્રેમી સામે તપાસની માંગ કરતું આવેદનપત્ર આપ્યું હતું. 
ગત ૪ એપ્રિલેના રોજ ઝાલાબોરડીમાં રહેતા કોકીલાબેન વિક્રમભાઇ સોઢાપરમારે પોતાની પાસે રહેતી પોતાની ૧પ વર્ષીય દિકરી હીનાનું કુદરતી મોત થયાનુ જણાવીને અંતિમ સંસ્કાર કરી દીધા હતા. આ મામલે સગીરાના મામા અલ્પેશભાઇ મંગળભાઇ ચાવડા (રહે. વાજેવાલ, તા. ઠાસરા)એ ભાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે ફરિયાદ દાખલ કરી ન હતી. આથી પોતાની ભાણીની હત્યા થયા અંગે અને તે બદલ જવાબદારો સામે કાર્યવાહીની માંગ સાથે અલ્પેશભાઇએ આણંદ જિલ્લા પોલીસ અધિક્ષકને ફરિયાદ કરી હતી. 
જેમાં અલ્પેશ ચાવડાએ જણાવ્યું હતું કે, ગત ૪ એપ્રિલના રોજ તેમની ભાણી હીનાનું કુદરતી મોત થયું નથી. કોકિલાબેનને ગામના અરવિંદ સોઢાપરમાર સાથે અનૈતિક સંબંધો હતા. પતિ વિક્રમભાઇની માનસિક સ્થિતિ સારી ન હોવાનો ગેરલાભ ઉઠાવીને કોકીલા અને અરવિંદ અનૈતિક સંબંધો ધરાવતા અને અરવિંદ તેણીના ઘરે જ સૂઇ રહેતો હતો. પરંતુ આ સમયે હીના ઘરે હાજર હોવાથી તે બંનેને હીના કાંટારૂપ લાગવા માંડી હતી. બનાવના દિવસે હીનાએ બંનેને કઢંગી હાલતમાં જોયા હતા અને બંનેએ સાથે મળીને હીનાને માર માર્યો હતો અને બાદમાં ગંભીર રીતે સળગાવી દીધી હતી. ત્યારબાદ તેણીને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. પરંતુ આ બનાવ અંગે પોલીસને જાણ કરી ન હતી અને બનાવ આકસ્મિક હોવાની ખોટી માહિતી આપીની પોલીસને પોસ્ટમોર્ટમ ન કરવા સહી પણ કરી આપી હોવાનું અલ્પેશ ચાવડાએ ફરિયાદમાં જણાવ્યું હતું. દરમ્યાન આજે અલ્પેશ ચાવડાની ફરિયાદના આધારે ભાલેજ પોલીસે ફરિયાદ નોંધી હતી. જેમાં કાંતિભાઇ સોઢાપરમાર અને કોકીલાબેન પરમાર વિરુદ્વ ખૂનનો ગૂનો તેમજ પુરાવાનો નાશ અને એકબીજાની મદદગારીની કલમો ઉમેરીને બંનેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.

(5:33 pm IST)