Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

ગુજરાતમાં ભાજપનું સંગઠન પર્વ (ચૂંટણી પ્રક્રિયા) લોકસભાની ચૂંટણી પછીઃ તે પહેલા કેટલાક ફેરફારો

સુરતમાં પ્રદેશ કારોબારી યોજવાનું જાહેર થયુ પણ ફરી અનિશ્ચિતતા

રાજકોટ તા. ર૦ :. ગુજરાતમાં ભાજપના સંગઠનની ચૂંટણી માટે બુથ કક્ષાથી પ્રદેશ કક્ષા સુધી યોજાતુ સંગઠન પર્વ (ચુંટણી પ્રક્રિયા) આ વખતે પાછુ ઠેલાય તેવા નિર્દેષ છે. નિર્ધારિત સમય ગાળા મુજબ ર૦૧૮ ના વર્ષમાં જ સંગઠન પર્વની ઉજવણી શરૂ થવા પાત્ર છે પરંતુ લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને સંગઠન પર્વ ર૦૧૯ માં યોજવાનું વિચારાઇ રહ્યાનું ભાજપનો ટોચના વર્તુળોનું કહેવુ છે. સંગઠન પર્વનો કાર્યક્રમ કેન્દ્રીય કક્ષાએથી નકકી થતો હોય છે તે હજુ નક્કી થયો નથી. રાજયમાં સંગઠનની રચનાની નવેસરની પ્રક્રિયા એપ્રિલ ર૦૧૯ પછી જ યોજવાની ગણતરી ચાલી રહી છે. તે પૂર્વે રાજયના સંગઠન માળખામાં કેટલાક ફેરફારો આવી રહ્યા છે. ભાજપના અમુક લોકો લોકસભાની ચૂંટણી પૂર્વ પ્રદેશ માળખામાં ધરખમ ફેરફારોની શકયતા નિહાળી રહ્યા છે. કર્ણાટકની ચૂંટણી (૧ર મે) પછી કેન્દ્રીય ભાજપ સંગઠનના મુદ્ે ધ્યાન કેન્દ્રીત કરી શકે છે.

વિજય રૂપાણી ફેબ્રુઆરી ર૦૧૬ માં ભાજપના પ્રદેશ પ્રમુખ બનેલા. તેઓ મુખ્યમંત્રી બન્ને બાકીની મુદત માટે જીતુ વાઘાણી, ઓગષ્ટ ર૦૧૬ થી પ્રમુખ છે. બન્નેની મળી ૩ વર્ષની મુદત ફેબ્રુઆરી ર૦૧૯ માં પુરી થવા જઇ રહી છે. પ્રદેશ પ્રમુખની ચૂંટણી પૂર્વે પ્રદેશની તેનાથી નીચેની કક્ષાની ચૂંટણી થતી હોય છે. અત્યારે આવી કોઇ ચૂંટણી કરવાની હિલચાલ દેખાતી નથી તેથી હાલનું માળખુ યથાવત રહેવા પાત્ર છે. જો કે ત્યાર પહેલા સંગઠનમાં પ્રદેશ કક્ષાએ અમૂક હોદેદારોમાં બદલાવ આવે તેવી શકયતા છે.

સુરતમાં રર-ર૩ મીએ ભાજપની પ્રદેશ કારોબારી યોજવાનું જાહેર થયેલ પરંતુ હવે તે બાબતે અનિશ્ચિતતા થઇ ગઇ છે. પ્રદેશ કારોબારી હવે એક જ દિવસ માટે યોજાય અથવા મે મહિનામાં યોજાય તેવુ દેખાય છે. (પ-ર૪)

(4:36 pm IST)