Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

૨૦૧૯ સુધીમાં સાબરમતીમાં નર્મદાનું નહીં પરંતુ પાંચ સુઅેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી ભરવા રાજ્ય સરકાર દ્વારા આદેશ

ગાંધીનગરઃ ધોમધખતા તાપમાં રાજ્યમાં પાણીની ભારે અછત સર્જાઇ છે ત્યારે સાબરમતી નદીમાં નર્મદાનું પાણી ન ભરવા આદેશ કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર તરફથી પહેલીવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ આપવામાં આવ્યો છે કે, AMC દ્વારા સુનિશ્ચિત કરવામાં આવે કે, 2019 સુધીમાં સાબરમતીમાં નર્મદાનું નહીં પણ પાંચ સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સનું પાણી ભરવામાં આવે.

આ વર્ષે નર્મદા નદીમાં પાણીનું પ્રમાણ ઓછું હોવાને કારણે ગુજરાતમાં પાણીની તંગી સર્જાઈ છે, ત્યારે AMCને આ આદેશ આપવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય પીવાના અને સિંચાઈના પાણી માટે લગભગ 70 ટકા નર્મદાના પાણી પર નિર્ભર છે અને જળ પૂરવઠાના નબળા મેનેજમેન્ટને કારણે પણ સરકારની ટીકા થતી હોય છે.

મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર જણાવે છે કે, નેશનલ રિવર કન્ઝર્વેશન પ્લાન અંતર્ગત કેન્દ્ર સરકારે પાંચ STPને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ 400 કરોડ રુપિયાનો છે. અમને આશા છે કે ડિસેમ્બર 2019 સુધી આ પાંચ પ્રોજેક્ટના કામ સમાપ્ત થઈ જશે.

AMCના એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે, સાબરમતી નદીમાં સરેરાશ 10-12 મિલિયન ક્યુબીક મિટર પાણીનો સંગ્રહ થાય છે, જે આપણી રોજબરોજની જરુરિયાત માટે ઉપયોગમાં લઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે, ઈરિગેશન ડિપાર્ટમેન્ટની જરુરિયાત અનુસાર, દરરોજ લગભગ 200થી 300 ક્યુસેક નર્મદાનું પાણી વાસણા બેરેજમાંથી ફતેહવાડી કેનાલમાં છોડવામાં આવે છે.

પ્લાન અનુસાર, 11.5 કિલોમીટર લાંબા રિવરફ્રન્ટમાં નર્મદાના પાણીના સ્થાને પાંચ STP દ્વારા શુદ્ધ કરવામાં આવેલું પાણી છોડવામાં આવશે. આ પાંચ પ્લાન્ટ્સમાંથી જળ વિહાર અને વાસણા STPને જુલાઈ, 2018માં અપગ્રેડ કરવામાં આવશે. પિરાણા STPના અપગ્રેડેશનું કામ ચાલુ છે અને ડિસેમ્બર 2019 સુધી પતી જશે. શંકર ભુવન અને ડફનાળા ખાતે અન્ય બે પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે.

આ પાંચ પ્લાન્ટ્સની મદદથી સુવેજના 313 મિલિયન લિટર પાણીને શુદ્ધ કરીને સાબરમતી રિવરફ્રંટમાં દરરોજ રીલિઝ કરવામાં આવશે. એકવાર રિવરફ્રંટમાં આ પાણી આવવા લાગશે, નર્મદાના પાણીને સિંચાઈ માટે ધોળકા, સાણંદ અને અન્ય ગામોમાં ડાયવર્ટ કરવામાં આવશે.

 

(7:06 pm IST)