Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

નાગરિકોમાં દેશી આયુર્વેદ ઉપચાર વિશે જાગૃતતા કેળવવા કેવડિયા કોલોની ખાતે “આયુષ મેળો” યોજાયો

પ્રાચીન ભારતીય પરંપરાગત આયુર્વેદ પદ્ધતિ અને યોગ અપનાવવા જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. નેહા પરમારનો અનુરોધ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી પ્રસંગે રાજ્યભરમાં પ્રજાહિતમાં અનેકવિધ કાર્યક્રમોને અનુલક્ષીને નર્મદા જિલ્લામાં પણ દેશી ઉપચાર પદ્ધતિને પ્રોત્સાહન આપવા માટે “હર દિન હર ઘર આયુર્વેદ” અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લા આયુષ તંત્ર દ્વારા કેવડિયા સ્થિત વીર ભગતસિંહ પ્રાથમિક શાળાના પટાંગણમાં “આયુષ મેળા” નું સુંદર આયોજન કરાયું હતું.

 ગરૂડેશ્વર તાલુકાના પંચાયત પ્રમુખ શ્રીમતી સુમિત્રાબેન ભીલની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમની શરૂઆત આયુર્વેદના જન્મદાતા ભગવાન ધન્વંતરીની વંદના અને યોગા આર્ટિસ્ટિક ડાન્સ સાથે થયો હતો. આ પ્રસંગે જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. નેહા પરમારે જણાવ્યું કે, યોગ અને આયુર્વેદ એકબીજા સાથે સંકળાયેલા છે અને હજારો વર્ષોથી આ ચિકિત્સા પદ્ધતિએ લોકોને નિરોગી રાખવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
આ પ્રસંગે સરકારી આયુર્વેદ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. આકાશ મારૂ અને ડો. અશોક અમિને પોતાના પ્રાસંગિક ઉદબોદન દરમિયાન પંચકર્મ અને આયુર્વેદ તેમજ અગ્નિકર્મ સારવાર અંગે સૌ લાભાર્થીઓને શરીરને નિરોગી રાખવા માટેની ઉપચાર પદ્ધતિથી માહિતગાર કર્યા હતા
નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુષ તંત્ર સહિત રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયામક આયુષની કચેરી-ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં આયુર્વેદ સબંધિત સ્ટોલ્સ ઉભા કરીને ઔષધિય વનસ્પતિના ગુણોનું ચાર્ટ દ્વારા પ્રદર્શન, યોગા નિદર્શન, પંચક્રમ-અગ્નિકર્મ સારવાર તથા નિર્દેશન, હોમીયોપેથીક ઉપચાર, સ્ત્રી-બાળ રોગ સહિત અન્ય નિ:શુલ્ક ઉપચાર કરીને લોકોમાં જાગૃતત કેળવવામાં આવી હતી.
આ પ્રસંગે આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર ક્રિષ્નાબેન પટેલ, સરકારી આયુર્વેદિક કોલેજના નાયબ અધિક્ષક ડો. માયાબેન ચૌધરી, કેવડીયા-કોઠીના સરપંચ મેઘનાબેન તડવી, શાળાના આચાર્ય, જિલ્લા પંચાયતના સદસ્ય દિનેશભાઈ તડવી, કેવડિયા કોલોનીના મેડિકલ ઓફિસર ડો. અંકિતા વિરોજા, શિક્ષકગણ-બાળકો, અન્ય અધિકારીશ્રી-પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ-ગ્રામજનોએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ વિશે માહિતગાર થઈ લાભ લીધો હતો.

 

(10:51 pm IST)