Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

રાજપીપલા જૂની સિવિલ ખાતે ડાયાબિટીશ અને હાયપર ટેન્શન સ્ક્રીનીંગ નિદાન કેમ્પ યોજાયો

એકદિવસીય સ્ક્રીનીંગ કેમ્પનો જિલ્લાભરમાંથી ૧0૦ કરતા વધુ દર્દીઓએ લીધેલો લાભ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ ઓફ કેન્સર, ડાયાબિટીસ, સીવીડી સ્ટોક પ્રોગ્રામ અંતર્ગત આજરોજ નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો હતો. હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કમ પોલીક્લિનીક રાજપીપલા(જૂની સિવિલ) ખાતે યોજાયેલા કેમ્પને જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતી નિલાંબરીબેન પરમારના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. કેમ્પમાં જિલ્લાભરમાંથી પીએચસી સેન્ટર પર નોંધાયેલા અંદાજિત ૧0૦ કરતાં વધુ દર્દીઓને નિષ્ણાંત તબીબો દ્વારા કન્સલટિંગ અને સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું.

જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુની રાહબરીમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સરકારની આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચી રહે તેવા હેતુ સાથે વિવિધ કેમ્પ-કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત આજરોજ તા.૨૦મી માર્ચે જૂની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં યોજાયેલા ડાયાબિટીસ અને હાયપર ટેન્શન સ્ક્રીનીંગ કેમ્પમાં જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્રો ખાતે નોંધાયેલા ડાયાબિટીસ અને હાયપર ટેન્શનના દર્દીઓએ લાભ લીધો હતો. તમામ તાલુકાના દર્દીઓને રાજપીપલા સુધી લાવવા-લઈ જવા માટેની સુવિધા પણ આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે પુરી પાડવામાં આવી હતી.

આ કેમ્પના ઉદઘાટન પ્રસંગે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન નિલાંબરીબેન પરમારે જણાવ્યું હતું કે, વર્તમાન સમયની જીવનશૈલીથી લોકોમાં હાયપર ટેન્શન અને ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યું છે. જેથી સમયસર ડાયાબિટીસનું સ્ક્રીનીંગ થાય અને લોકોને ઝડપથી સારવાર મળી રહે તેવા આશય સાથે આજનો આ કેમ્પ યોજાયો છે. ડાયાબિટીસના કારણે થતા ઓરલ રોગોની સારવાર માટે પણ અલગ વિભાગ અહીં શરૂ કરવામાં આવ્યો છે જેનાથી લોકોને જરૂરી સારવાર મળી રહે. જિલ્લામાંથી આવા પ્રકારની બીમારીઓને વધતી અટકાવવા આવા નિદાન કેમ્પ જિલ્લાના લોકો માટે ઉપયોગી સાબિત થશે તેવો વિશ્વાસ પણ તેઓશ્રીએ વ્યક્ત કર્યો હતો.

સ્ક્રીનીંગ કેમ્પની સાથે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ઊભી કરવામાં આવેલી વિવિધ આરોગ્યલક્ષી સુવિધાઓનું પણ આરોગ્ય સમિતિના ચેરમેન પરમારે કર્યું હતું. જે બાદ અહીં આવતા લોકોને ઝડપી સારવાર મળી રહે તે માટે જરૂરી વ્યવસ્થા ઊભી કરવા સ્થાનિક આરોગ્ય વિભાગના અધિકારીઓને સૂચનો કર્યાં હતાં.
 
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનકકુમાર માઢકે કેમ્પ સંદર્ભે જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત જિલ્લામાં હાયપર ટેન્શન અને ડાયાબિટીસ, બ્લડપ્રેશરની બીમારી ધરાવતા લોકો માટે આ નિદાન-સારવાર કેમ્પ યોજાયો છે. આ કેમ્પમાં આવેલા તમામ દર્દીઓની તપાસ અને સ્ક્રીનીંગ કરી જરૂરી દવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે. જેમને સ્પેશિયાલિસ્ટની જરૂરિતાય છે તેવા દર્દીઓને સિવિલ હોસ્પિટલના ફિઝિશિયન દ્વારા જરૂરી સુવિધાઓ પુરી પાડવામાં આવશે. આજે ઓરલ કેન્સરનો નિદાન કેમ્પ પણ આજે રાખ્યો છે. આ તમામ દર્દીઓમાંથી જે જરૂરિયાત વાળા દર્દીઓ છે તેમનું પીએમજેએવાય કાર્ડ કાઢી આપવામાં આવશે. તેની સાથે આભા આઈડી કાર્ડ પણ ઈશ્યુ કરવામાં આવશે તેમ તેઓએ ઉમેર્યું હતું.

  નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં ૧૭૪ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો ચલાવવામાં આવે છે જેના થકી જિલ્લાના નાગરિકોને ઘરઆંગણેથી જ પ્રાથમિક સારવારની સુવિધા ઉપલબ્ધ થાય. પ્રાયમરી તબક્કાના આ મિડલેવલ હેલ્થ કેર પ્રોવાઈડર સેન્ટરમાં સીએચઓ દ્વારા સેવા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ત્યારબાદ બીજા તબક્કામાં જિલ્લામાં કાર્યરત ૨૮ જેટલા પીએચસી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ચલાવવામાં આવે છે. જ્યાં એમબીબીએસ તબીબો/આયુષ તબીબો સારવાર આપે છે ત્યારબાદ ત્રીજા તબક્કામાં જિલ્લા કક્ષાએ નિષ્ણાંત કન્સલ્ટન્ટ તબીબો દ્વારા દર્દીઓની સારવાર કરવામાં આવે છે.

  પીએચસી કક્ષાએથી ફોરવર્ડ રેફરલ થઈને આવેલા દર્દીઓને નિદાનનો સિક્કો લગાવી રિવર્સ રેફરલ કરવામાં આવે છે. જેને મેડિકલ ઓફિસર દ્વારા વિનામૂલ્યે નિયમિત દવાઓ પુરી પાડવામાં આવે છે. જો વધુ જરૂર જણાય તો ટેલી કન્સલ્ટિંગના માધ્યમથી ફિઝિશિયનની મદદ લઈને ફોલોઅપ કરવામાં આવે છે. આમ લોકોને ઝડપી અને સરળતાથી સારવાર મળી રહે તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ થ્રિટાયર પદ્ધતિથી દર્દીઓની સારવાર કરવામાં આવે છે

(10:44 pm IST)