Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

૬૦થી ઉપરની વયના વૃદ્ધોને બહાર નહી નિકળવાનું સૂચન

હેલ્થ એડવાઈઝરીનું પાલન કરવા ભાજપની અપીલ : જનતા કર્ફ્યુમાં સહભાગી થવા તમામને ભાજપની અપીલ

અમદાવાદ,તા.૨૦ : પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની એક અખબારી યાદીમાં જણાવ્યાનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક મહામારી કોરોના વાઇરસ ડીસીઝ સંદર્ભે રાષ્ટ્રને કરેલા સંબોધન અંગે પ્રતિક્રિયા આપતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘણીએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસના સંક્રમણને દેશભરમાં ફેલાતો અટકાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તા. ૨૨.૦૩.૨૦૨૦ના રોજ સવારે ૭.૦૦ કલાકેથી રાત્રે ૯.૦૦ કલાક સુધી "જનતા કરફ્યુ"નું આહવાન કર્યું છે તેનું ગુજરાતની જનતા આ અતિસંવેદનશીલ અને મહત્વપૂર્ણ સમયમાં સંયમ અને સંકલ્પ સાથે રાષ્ટ્રહિતના ભાવ સાથે રાષ્ટ્રસેવામાં ભાગીદાર બની પાલન કરે.

       વાઘાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યાનુસાર ગુજરાતની જનતાને નોકરી/વ્યવસાયિક કામો શક્ય બને તેટલા ઘરેથી કરવા અને ૬૦ વર્ષથી વધુ આયુ ધરાવતા સિનિયર સિટીઝન્સ અને વૃદ્ધોને આગામી સપ્તાહોમાં ઘરની બહાર ન નીકળવા અને આરોગ્યની વિશેષ કાળજી લેવા તેમજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ હેલ્થ એડવાઇઝરીનું પાલન કરવા માટે વિનંતી કરી હતી.

      વાઘાણીએ કરોડો નાગરિકોને આ વૈશ્વિક મહામારીમાંથી ઉગારવા માટે પોતાના જીવના જોખમે તત્પરતાથી રાહત અને સારવાર કાર્યમાં લાગેલા અધિકારીઓ, તબીબો અને જનપ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કરવા તા. ૨૨.૦૩.૨૦૨૦ના રોજ સાંજે ૫.૦૦ કલાકે પોતાના નિવાસની ગેલેરી કે બારી પાસેથી એકસાથે તાળીઓ વગાડી / થાળી-વેલણ વગાડી આભાર વ્યક્ત કરવા વિનંતી કરી હતી અને જનતાના સહકાર, સરકારના પ્રયોજનો તેમજ ઈશ્વરની કૃપાથી ભારત સહિત સમગ્ર વિશ્વ કોરોના વાયરસ ડિસીઝમાંથી ઉગરે અને વિશ્વના કરોડો નાગરિકોની જનજીવન ફરી એક વખત સામાન્ય બને તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

(9:43 pm IST)