Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

કોરોના કિટ બનાવવાનું પ્રથમ લાઈસન્સ અમદાવાદ કંપનીને

૧૮ કંપનીઓને કોરોના ટેસ્ટ કિટ બનાવવા મંજૂરી : નવી કિટ અઢી કલાકમાં જ કોરોનાના લક્ષણો શોધી કાઢશે

અમદાવાદ,તા.૨૦  : ગુજરાતમાં કોરોનાના સાત કેસ પોઝીટીવ આવતાં સરકાર અને તંત્ર દોડતુ થઇ ગયુ છે. બીજીબાજુ, હવે સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાને લઇ રાજય સરકારક અને મ્યુનિસિપલ તંત્ર કોરોનાને કાબૂમાં લેવા માટે પ્રયાસો કરી રહ્યું છે. બીજીબાજુ, કોરોનાની મહામારીને નિયંત્રણમાં લેવા માટે સરકાર દ્વારા અમદાવાદની એક કંપની સહિત ૧૮ કંપનીઓને કોરોના ટેસ્ટ કીટ બનાવવાની મંજૂરી આપવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે. અમદાવાદની કંપનીને કોવિડ-૧૯ ટેસ્ટ કીટ બનાવવાનું લાઇસન્સ સીડીએસસીઓ( સેન્ટ્રલ ડ્રગ્ઝ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન)તરફથી મળી ગયું છે. આ પ્રકારનું લાઈસન્સ મેળવનારી આ કંપની દેશની પ્રથમ કંપની છે. કંપનીનો દાવો છે કે આ કીટ માત્ર અઢી કલાકમાં કોરોનાના લક્ષણો શોધી કાઢશે. આ કંપની દેશમાં અત્યાર સુધીની એક માત્ર એવી કંપની છે જે કોરોનાનો ટેસ્ટ કરવા માટે આરઆરટી-પીસીઆર મશીનમાં વપરાયેલી રીએજન્ટ કીટનું ઉત્પાદન કરી શકશે.

             અમદાવાદમાં રજીસ્ટર થયેલ અને વડોદરાના રનોલીમાં મનુફેક્ચરિંગ પ્લાન્ટ ધરાવતા કો સારા ડાયગ્નોસ્ટિક્સ પ્રા. લિ. ને મંગળવારે કીટ બનાવવાનું લાઇસન્સ મળ્યું હતું. જે અરજી સીડીએસસીઓએ એક મહિના પછી મંજૂર કરી હતી. આ કંપનીએ યુ. એસ.માં પરિક્ષણ કીટ વિકસાવી હતી અને હવે તે ભારતમાં આ કીટનું ઉત્પાદન કરવાનો પ્રયાસ કરી રહી છે, કારણ કે ભારત અત્યાર સુધી બીજા દેશમાંથી ટેસ્ટિંગ કીટની આયાત કરતું હતું. આમ, હવે કોરોનાની મહામારીને નિયંત્રણમાં લાવવાનો વધુ એક માર્ગ મોકળો થતો જણાઇ રહ્યો છે.

(8:35 pm IST)