Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

ગુજરાતમાં કોરોનાના વધુ પાંચ કેસ સાથે કેસની સંખ્યા સાત થઇ

અમદાવાદમાં કોરોના વાયરસના ત્રણ પોઝિટિવ કેસથી સન્નાટો : કોરોના કેસો વધતાં અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કલમ ૧૪૪ લાગૂ : અમદાવાદના તમામ પાનના ગલ્લા તેમજ લારીઓ બંધ

અમદાવાદ,તા. ૨૦  : દેશ અને દુનિયાની સાથે સાથે ગુજરાતમાં પણ ઝડપથી કેસોમાં વધારો થયો છે. આજે વધુ પાંચ કેસ સપાટી ઉપર આવતા કેસોની સંખ્યા વધીને ૭ ઉપર પહોંચી છે. ગુજરાતમાં કોરોનાના પગપેસારા બાદથી ભારે દહેશતની સાથે સાથે તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. કુલ સાત કેસો પૈકી અમદાવાદમાં ત્રણ, સુરતમાં એક, રાજકોટમાં એક અને વડોદરામાં બે કેસો નોંધાયા છે. કેસોની સંખ્યા વધવાની દહેશત હોવાથી તંત્ર દ્વારા તમામ સાવચેતી રાખવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં દર્દીઓના ટેસ્ટના પરિણામ હજુ આવ્યા નથી.   કેસોની સંખ્યામાં વધારો થતાં અમદાવાદ, સુરત, રાજકોટ, અરવલ્લી સહિતના તમામ મોટા વિસ્તારોમાં કલમ ૧૪૪ લાગૂ  કરવામાં આવી છે. અન્ય સાવચેતીના તમામ પગલા પણ લેવાઈ રહ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસની સંખ્યા ગઈકાલે બે હતી તે એક દિવસમાં જ સાડા ત્રણ ગણી વધીને આજે સાત થઇ જતાં રાજયભરમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

             ખાસ કરીને અમદાવાદમાં કોરોના પોઝીટીવના ત્રણ કેસો સામે આવતાં જબરદસ્ત હડકંપ મચી ગયો છે. અમદાવાદની બે મહિલા સહિત ત્રણ જણાં અને વડોદરાના એક યુવાન સહિત બે જણાંનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. અમદાવાદમાં જેમના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે તેમાંથી એક યુવતી ન્યૂયોર્કથી આવી હતી જ્યારે બીજી મહિલા ફિનલેન્ડથી આવી હતી. જ્યારે વડોદરામાં જેનો રિપોર્ટ પોઝીટીવ  આવ્યો છે તે યુવાન સ્પેનથી આવ્યો હતો. આ અંગેની જાહેરાત કરતાં રાજ્યના આરોગ્ય કમિશનર સુશ્રી જયંતિ રવિએ જણાવ્યું હતું કે, અત્યારસુધી ગુજરાતમાં જે પણ કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે તે બધા વિદેશથી આવેલી વ્યક્તિના છે, કોઈ લોકલ કે ડોમેસ્ટિક સિટિઝન કેસ પોઝીટીવ આવ્યો નથી. રાજયમાં કોરોના પોઝીટીવના કુલ સાત કેસોમાં અમદાવાદના ત્રણ, વડોદરાના બે અને સુરત તથા રાજકોટના એક-એક કેસનો સમાવેશ થાય છે. અમદાવાદમાં કોરોના પોઝીટીવના એક જ દિવસમાં આજે ત્રણ પોઝીટીવ કેસો સામે આવતાં સમગ્ર તંત્ર દોડતુ થઇ ગયુ અને લોકોમાં જબરદસ્ત હડકંપ મચી ગયો છે. અમદાવાદના પોઝીટીવ કેસની બંને મહિલાઓ પશ્ચિમ અમદાવાદની છે. એક ન્યુયોર્ક અને એક મહિલા ફિનલેન્ડથી આવી હતી અને મુંબઇ થઇ ફ્લાઈટમાં અમદાવાદ પહોંચી હતી. ન્યૂયોર્કથી આવેલી મહિલા તા.૧૪ માર્ચે આવી હતી.

          ત્રણ દિવસ ઘરે રહ્યાં બાદ તા.૧૭મીએ એસવીપીમાં દાખલ કરવામાં આવી હતી. જયારે ફિનલેન્ડથી આવેલી મહિલા અમદાવાદ તા.૧૩મી માર્ચે આવી હતી અને તા.૧૬મી માર્ચે એસવીપીમાં દાખલ કરવામાં આવી હતી. આરોગ્ય કમિશનરે જણાવ્યું હતું કે, અમદાવાદના યુવતી કે જે તા.૧૪ માર્ચના રોજ ન્યૂયોર્કથી વાયા મુંબઈ ફ્લાઈટમાં આવી હતી તેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ ઉપરાંત ફિનલેન્ડથી આવેલી યુવતીનો રિપોર્ટ પણ આજે સવારે પોઝીટીવ  આવ્યો છે. જ્યારે સ્પેનથી વડોદરા આવેલા યુવકનો રિપોર્ટ પણ પોઝીટીવ  આવતા ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા વધીને ૫ થઈ ચૂકી છે. જો કે, આ તમામ દર્દીઓની વય ૩૫ વર્ષથી ઓછી છે. આ તમામને જે-તે જિલ્લામાં ખાસ ઉભા કરાયેલા આઈસોલેશન વોર્ડમાં રખાયા છે. શરૂમાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા પણ અત્યારે તેઓ આઈસોલેશન વોર્ડમાં છે અને બધાની હાલત સ્થિર છે.

            કોરોનાના ઈલાજ અંગેની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (હુ) અને ભારત સરકારના આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈન્સ મુજબ આ પાંચેય પોઝીટીવ દર્દીના પરિવારજનોને ફરજિયાત ઈન્સ્ટીટ્યુશનલ ક્વોરેન્ટાઈનમાં રખાયા છે. રાજ્ય સરકારે કરેલી અલાયદી વ્યવસ્થામાં આ તમામ પરિવારજનોને હાલ ક્વોરેન્ટાઈન કરાયા હોવાનું જણાવતા જયંતિ રવિએ ઉમેર્યું હતું કે, પરિવારજનોની હાલત પણ સ્થિર છે. તેઓ કેટલા લોકોના સક્રિય સંપર્કમાં આવ્યા છે તેની તપાસ ચાલુ છે અને જરૂર જણાશે તો વધુ લોકોને ઈન્સ્ટીટ્યુશનલ ક્વોરેન્ટાઈનમાં રખાશે. આરોગ્ય કમિશનરે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં અત્યારસુધીમાં ૧૫૦ કોરોના શંકાસ્પદોના સેમ્પલ એકત્ર કરીને પૂણે સ્થિત એનઆઈવીને મોકલી અપાયા છે.

             આમાંથી ૫ સેમ્પલ ટ્રિપલ ટ્રાયલમાં પોઝિટિવ આવ્યા છે. જ્યારે ૧૨૩ સેમ્પલ નેગેટિવ આવ્યા છે અને ૨૨ સેમ્પલમાં હજી પણ શંકા જણાઈ હોવાથી તેના પરિણામો પેન્ડીંગ છે. અમદાવાદ સિવિલના દર્દીનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. જો કે, કોરોનાના સેમ્પલ કલેક્ટ કરીને ટેસ્ટીંગ માટે મોકલાય તેમાં ૩ પ્રકારની ગૂંચવણ ઊભી થાય છે. કેટલાક સેમ્પલ અનિર્ણાયક આવે છે એટલે કે તે પોઝીટીવ પણ નથી અને નેગેટીવ પણ નથી હોતા. પરંતુ રિસેમ્પલ એનઆઈવીને મોકલાય છે, જ્યારે કેટલાક ફોલ્સ પોઝીટીવ પણ આવે છે.

ગુજરાતમાં કોરોના કેસો

અમદાવાદ, તા. ૨૦ : દેશ અને દુનિયાની સાથે સાથે ગુજરાતમાં પણ ઝડપથી કેસોમાં વધારો થયો છે. ગુજરાતમાં કોરોનાના ક્યાં કેટલા કેસ નોંધાયા તે નીચે મુજબ છે.

શહેર

કેસ

અમદાવાદ

૦૩

વડોદરા

૦૨

સુરત

૦૧

રાજકોટ

૦૧

ગુજરાતમાં કુલ કેસ

૦૭

(8:29 pm IST)