Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

નર્મદા જિલ્લામાં કોરોના વાયરસના ભયથી ફફડતા લોકો પાસે માસ્ક તેમજ સેનીટાઈઝરના ભાવમાં લૂંટ ચલાવાતી હોવાની બુમ

સરકારી તંત્ર ભલે કોરોનાને લઈ જાગૃત છે પરંતુ માસ્ક અને સેનીટાઈઝરની માંગ વધતા ભાવમાં ઉછાળો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભારત દેશ સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ મહામારીનો ભય લોકોને સતાવી રહ્યો છે. ભારતમાં પણ તેનો પગપેસારો થઇ ગયો છે ત્યારે નર્મદા જિલ્લા માં હાલમાં કોરોના વાયરસ ને લઈને લોકોમાં સરકારી તંત્ર ભલે જાગૃત છે ત્યારે જિલ્લાના કેટલાક મેડિકલ સ્ટોરમાં હાલમાં આ વાયરસના ભયના કારણે માસ્ક તેમજ સેનીટાઈઝરની માંગમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે ત્યારે કેટલાક મેડિકલ સ્ટોરના સંચાલકો કોરોના વાઇરસના ડરનો ગેર ફાયદો ઉઠાવી રહ્યાં હોય તેવી લોકોમાં બુમ ઉઠી છે

  .હલકી ક્વોલિટીના અને ખૂબ જ સસ્તા દરના માસ્ક ૯૦ થી ૧૨૦ રૂપિયામાં વેચાય છે જ્યારે નામાંકિત બ્રાન્ડના ન હોઈ તેવા સેનેટાઇઝર પણ બજારમાં મળી રહ્યા હોવાની બુમ ઉઠી છે.ત્યારે આવી સ્થિતિમાં જ્યારે મહામારી દેશમાં ફેલાઈ હોય ત્યારે મેડિકલ સંચાલકોએ આવા સમયે પ્રજાને હાલાકી ન પડે તે માટે સસ્તા દરે અને સારી ક્વોલિટીના માસ્ક અને સેનેટાઇઝર આપે એ જરૂરી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે આવા સમયે લોકોને સસ્તા દરે માસ્ક અને સેનેટાઇઝર મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા પણ અલગ અલગ સ્થળે તેના સ્ટોલ ઉભા કરવા જોઈએ અથવા આરોગ્ય કેન્દ્ર ,દવાખાના ,સી એસ સીમાં તેનું વિતરણ કરવું જોઈએ.નર્મદા જિલ્લો ગ્રામ્ય વિસ્તાર ધરાવતો જિલ્લો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં મોટાં ભાગના લોકોને ખબર નથી કે સેનેટરાઈઝરનો ઉપયોગ કેવી રીતે થાય માટે ગ્રામ્ય વિસ્તારમાં માસ્ક પહેરવાનું કેટલું મહત્વ છે જે અંગે પણ લોકોને જાગૃતિ આપવામાં આવે એ જરૂરી બન્યું છે.

(7:06 pm IST)