Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

સુરતના પીપલોદમાં મકાન ખાલી કરાવવા માટે પાણીની ટાંકીમાં શંકાસ્પદ પદાર્થ નાખનાર નરાધમને ઝડપી પોલીસે કવાયત હાથ ધરી

સુરત : પીપલોદના સારસ્વત નગરમાં રહેતા કિશોર નાગજીભાઇ પડસાળાએ દોઢ વર્ષ અગાઉ ધંધાકીય હેતુથી રૃા. 4.27 કરોડ ઝીંગાના વ્યાપારી હસમુખ લાલજીભાઇ પટેલ (રહે. ભીમપોર ગામ) ને આપ્યા હતા. જેના બદલામાં હસમુખે પોતાની માલિકીનું સારસ્વત નગરનું ઘર નં. 207 તા. 15 ડિસેમ્બર 2018 ના રોજ જ્યાં સુધી પૈસા પરત નહિ આપે ત્યાં સુધી મકાનમાં રહેવા અને મકાન ખાલી નહિ કરાવવા ઉપરાંત વેચાણ નહિ કરવાનો બાંહેધરી કરાર લખી આપ્યો હતો. પરંતુ હસમુખે ઉપરોક્ત મકાન કિશોરની જાણ બહાર પીપલોદના રહેવાસી શૈલેષ રબારીને વેચાણ કરી દીધું હતું. જેથી શૈલેષ દ્વારા છેલ્લા કેટલાક સમયથી મકાન ખાલી કરાવવા ધાક-ધમકી આપવામાં આવી રહી હતી. દરમ્યાનમાં શૈલેષ અને તેના મિત્ર વિરાજ ઉર્ફે પઠાણે કિશોરના રહેણાંક મકાનના પાકગમાં અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં કોઇ કેમિકલ પદાર્થ નાંખી દીધો હતો. જેથી કિશોર અને તેની પત્ની વિજયાબેન ડરી ગયા હતા અને પાણીનો ઉપયોગ કરવાનું ટાળ્યું હતું. ઉપરાંત શૈલેષ રબારીએ મકાનની ગટર લાઇનનું કનેક્શન પણ બંધ કરાવી દીધું હતું. જેથી મુદ્દે વિજ્યાબેને ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શૈલેષના મિત્ર વિરાજ ઉર્ફે પઠાણ મફાભાઇ રબારી (રહે. સારસ્વત નગરપીપલોદ અને મૂળ રણછોડ રત્નાનગરસોસાયટીમગદલ્લા) ની ધરપકડ કરી હતી. જયારે શૈલેષની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

(6:10 pm IST)