Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

મહેસાણાના કડીમાં એક આધેડ પ્રેમીની તેનાથી અડધી ઉંમરની પ્રેમિકા યુવતિએ કાસળ કાઢી નાખ્‍યુઃ આરોપીઓની ધરપકડ

મહેસાણાના કડીમાં એક આધેડ પ્રેમીની તેનાથી અડધી ઉંમરની પ્રેમિકા યુવતીએ કાસળ કાઢી દીધું છે. પ્રેમિકાએ તેના બીજા પ્રેમી સાથે મળીને આધેડ પ્રેમીની યોજના બનાવીને હત્યા કરી કેનાલમાં લાશ નાખી દીધી હતી. જેથી હત્યા આત્મહત્યામાં ખપી જાય. પરંતુ પોલીસે આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ આરોપીઓની ધરપકડ કરીને હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

એક આધેડ ઉંમરના પ્રેમીની તેનાથી અડધી ઉંમરની પ્રેમિકાએ હત્યા કરી નાખવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. સમગ્ર ઘટનાની વિગતો જોઈએ તો મૂળ અમદાવાદના સાણંદ તાલુકાના ભાવનપુરા પટેલ સોસાયટીના રહેવાસી  48 વર્ષીય પટેલ અનિલ બેચરભાઈ ને ભાવનપુરની 22 વર્ષીય પટેલ શ્વેતાબેન જગદીશકુમાર સાથે પ્રેમ હતો. અને અનિલ પટેલ શ્વેતાને તેની સાથે લગ્ન કરવા દબાણ કરતો હતો. જેથી કંટાળેલી શ્વેતાએ તેના બીજા પ્રેમી મૂળ કડીના વડાવી ગામે રહેતો ગોસ્વામી શ્યામલ રમણિકભાઈ સહિત તેની બહેનપણી શિવાંગી ભરતભાઇ પટેલને આ વાત કરી. અને આ બધાએ અનિલ પટેલની હત્યાનો પ્લાન બનાવી દીધો.

શ્વેતાએ ગત 17 માર્ચે અનિલ પટેલને પીરોજપુર મળવા બોલાવેલો. જ્યા શ્વેતા અને શિવાંગી ભાવનપુર થી રિક્ષામાં પીરોજપુર પહોંચેલી. જ્યાંથી બંને અનિલની કારમાં બેસીને થોળ કેનાલ થઈને નજીકના એક મંદિર પાસે અવાવરું જગ્યાએ પહોચ્યા હતા. જ્યા અગાઉથી શ્વેતાએ તેના બીજા પ્રેમી શ્યામલ ગોસ્વામીને જાણ કરેલી હતી જેથી શ્યામલ અને તેનો મિત્ર ઠાકોર કિરણ દશરથજી બાઇક લઈને અનિલની કારનો પીછો કરીને મંદિર સુધી પહોંચી ગયા હતા. જ્યાં શ્વેતા સાથે ઉભેલા અનિલ પટેલ પર લોખંડની પાઇપ માથાના ભાગે મારી બાદમાં તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી હત્યા કરી નાખી હતી. અને અનિલની જ કારમાં અનિલની લાશ નાખીને કડીના કરણનગર નજીક કેનાલમાં લાશ નાખી દઈ આ ચારેય ફરાર થઈ ગયા હતા.

ત્યારે અનિલ પટેલની લાશ સુજાતપુરા નજીક નર્મદા કેનાલમાંથી નીકળતા પોલીસે પહેલા અકસ્માતે મોત અને બાદમાં પીએમ રિપોર્ટ આવતા હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. જેના આધારે આ ચારેય આરોપીની કડી પોલીસ, LCB અને SOG પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે.

આમ, સમગ્ર ઘટનામાં પ્રેમિકા શ્વેતાએ તેના આધેડ પ્રેમીનો કાંટો કાઢવા માટે તેના બીજા પ્રેમી શ્યામલ ગોસ્વામી સાથે મળીને અનિલ પટેલની હત્યા કરી નાખી. એટલું જ નહીં તેની હત્યાને આત્મહત્યામાં ખપાવવા અનિલની લાશને કેનાલમાં ફેંકી દીધી હતી. પરંતુ પોલીસે પી એમ રિપોર્ટમાં અનિલની હત્યાનું ખુલતા જ તે દિશામાં તપાસ તેજ કરીને સમગ્ર હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. અને ચારેય આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરી દીધા હતા.

(5:11 pm IST)