Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

ધો.૧૦-૧૨ની પરીક્ષાના પેપર ચેક કરતા શિક્ષકોને પણ ચેકીંગમાંથી મુકિત આપો

વાયરસની અસર એકબીજા શિક્ષકને પણ થઈ શકેઃ તંત્ર વિચારે

રાજકોટ,તા.૨૦: કોરોના વાયરસ નામની મહાબીમારીએ દુનિયાભરમાં કાળોકેર વર્તાવ્યો છે. ગઈકાલે ગુજરાતમાં પણ બે કેસ નોંધાતા સાવચેતીના તમામ પગલા લેવાઈ રહ્યા છે. રાજયમાં બોર્ડની પરીક્ષાઓ ચાલુ રાખી શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. દરમિયાન હાલમાં ધો.૧૦, ૧૨ની પરીક્ષાના પેપરો  શિક્ષકો દ્વારા ચકાસણી થઈ રહી છે. જો કે હાલમાં મહાબીમારીનો ભય હોય શિક્ષકોને પેપર ચેકીંગમાંથી મુકિત આપવામાં આવે તેવી લાગણી પ્રર્વતાઈ રહી છે.

ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે. શિક્ષકો દ્વારા પેપરની ચકાસણી થઈ રહી છે. પરંતુ એક કરતાં વધુ શિક્ષકો એક સાથે આ ઉતરવહીઓની ચકાસણી કરી રહ્યા હોય શરદી, ઉધરસ ચેપ લાગવાનો ભય રહેલો હોય હાલમાં ઉતરવહીઓની ચકાસણી રદ્દ કરવામાં આવે તેવી શિક્ષકો દ્વારા લાગણી વ્યકત કરવામાં આવી છે.

એક શિક્ષકને ચેપ લાગેલો હોય તો અન્ય શિક્ષકોને પણ ચેપ લાગવાનો ભય રહેલો છે. જેથી રાજય સરકાર દ્વારા આ મામલે સત્તાવાર જાહેરાત કરી ઉતરવહીઓની ચકાસણી મુલત્વી રાખવામાં આવે તેવી શિક્ષકોની લાગણી પ્રર્વતી રહી છે.

(4:13 pm IST)